મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત સરકારે મહારાષ્ટ્ર દ્ધ્રારા મરાઠા સમાજને અનામત આપવાના કરાયેલા સૈદ્ધાંતિક નિર્ણય અંગે રિપોર્ટ મંગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું છે કે, આ રિપોર્ટનો અભ્યાસ કરીને તે પ્રમાણે ગુજરાતમાં અમલ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. જયારે પાસના કન્વીનરો આજે ગાંધીનગરમાં ઓબીસી કમીશન ખાતે મળવા દોડી આવ્યા હતા. તો કોંગ્રેસે પ્રતિભાવ આપતા કહ્યું છે કે, ભાજપ સરકારને અનામત કે અન્ય સમસ્યાના બદલે માત્ર વોટ બેંક અને સત્તામાં જ રસ છે.

અમદાવાદમાં પાસના કન્વીનરોની મીટીંગ રદ થવા સાથે વિવાદ સર્જાયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવાના પગલે ગુજરાતમાં પાટીદાર અનામતની માંગણી ફરી એકવાર પ્રબળ બની છે. જેના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્ધ્રારા મરાઠા સમાજને અનામત આપવા અંગેનો રિપોર્ટ મંગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રિપોર્ટનો અભ્યાસ કરીને ગુજરાતમાં વિચારણા કરવામાં આવશે. જયારે બે દિવસ અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગ પંચનો રિપોર્ટ હજુ મળ્યો નથી. તે આવ્યા પછી વિચારણા કરવામાં આવશે.

જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિભાવ આપતા કહ્યું છે કે, સરકાર દ્ધારા રિપોર્ટ મંગાવીને અભ્યાસ કરવાની વાત ખોટા દેખાડા છે. ભાજપ સરકારને પાટીદારોને અનામત આપવામાં કે અન્ય સમસ્યામાં કોઈ જ રસ નથી.પરંતુ ભાજપને માત્ર વોટ બેંક અને સત્તામાં જ રસ છે. તો સીએમની જાહેરાત પૂર્વે આજે પાસના કન્વીનરો ગાંધીનગરમાં ઓબીસી કમીશન ખાતે પહોચી ગયા હતા. જ્યાં આ પાસ કન્વીનરો દ્ધારા આ અન્ય પછાત વર્ગ, ગુજરાતના ચેરમેન સુજ્ઞાબેન ભટ્ટને મળવાનો સમય માંગવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ કમીશન પાસે અત્યારે ૫૦ કરતા વધારે જ્ઞાતિની અરજીઓ અનામત સહિત અન્ય લાભો તેમજ સર્વે માટે પડતર છે.