મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં ભાજપ સરકાર ધ્વારા વિવિધ ઉત્સવો પાછળ કરાતા લખલૂટ ખર્ચમાં છેલ્લા બે વર્ષ દરમીયાન રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રી મહોત્સવ પાછળ કુલ રૂપિયા ૩૭.૮૪ કરોડ જેટલો ધરખમ ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય બહારના મહેમાનોની સરભરા માટે લગભગ ૪ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં તા.૩૧-૧૨-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રી મહોત્સવ પાછળ કુલ રૂપિયા ૩૭.૮૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં પ્રવાસન મંત્રીએ આ માહિતી આપી છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે, આ મહોત્સવમાં રાજ્ય બહારના તેમજ વિદેશી મહેમાનો માટે રહેવા, જમવા, ટ્રાન્સપોર્ટ અને સરભરા પાછળ કુલ રૂપિયા ૩૯૧.૧૩ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં તા.૧-૨-૨૦૧૬થી તા.૩૧-૧-૨૦૧૮ સુધીમાં મહેમાનો પાછળ રણોત્સવમાં રૂપિયા ૭.૭૭ લાખ, પતંગોત્સવમાં રૂપિયા ૧૪૪.૨૧ લાખ અને નવરાત્રી મહોત્સવમાં રૂપિયા ૪૨.૫૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પછી તા.૧-૨-૨૦૧૭થી તા.૩૧-૧-૨૦૧૮ સુધીમાં આ મહેમાનો પાછળ પતંગોત્સવમાં ૧૮૫.૭૯ લાખ અને નવરાત્રી મહોત્સવમાં ૧૦.૮૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ આ મહેમાનોની સરભરામાં સૌથી વધારે ૩૩૦ લાખનો ખર્ચ પતંગોત્સવમાં કરવામાં આવ્યો છે. જ્યારે નવરાત્રી મહોત્સવમાં ૫૩.૩૬ અને રણોત્સવમાં ૭.૭૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રણ મહોત્સવ અંગે ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે પુછેલા એક અન્ય પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે,૨૦૧૬-૧૭ના વર્ષમાં રણ મહોત્સવમાં કુલ ૨,૧૦,૨૭૪ પ્રવાસીઓએ ભાગ લીધો હતો. તેમાં પીપીપી મોડ ઉપર આપેલા ટેન્ટની રોયલ્ટી પેટે રૂપિયા ૨૮૬.૬૦ લાખની આવક થઇ છે. જયારે સફેદ રણમાં પ્રવાસીઓની એન્ટ્રી ફીની રૂપિયા ૧૭૩.૭૨ લાખ આવક થઇ છે. આમ કુલ રૂપિયા ૪૬૦.૩૨ લાખની આવક થઇ છે. આ ઉપરાંત આ મહોત્સવમાં બનાયેલા કુલ ૨૫ ફૂડ સ્ટોલમાં રૂપિયા ૧૫૦ લાખની ચીજવસ્તુનું વેચાણ થયું હતું. જયારે ૯૧ ક્રાફ્ટ સ્ટોલમાં કુલ રૃપિયા ૬૯૮ લાખનું વેચાણ થયું હતું.