પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાવનગરના રંધોળા ગામે જાન લઈ જઈ રહેલી ટ્રક પલ્ટી મારી ગઈ, અને 31 માણસોના મોત થયા જે ઘરમાં લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા, ત્યાં મરશીયા ગાવા લાગ્યા, ઘટના જ ગંભીર પ્રકારની હતી. આ ઘટના બાદ તરત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ મૃતકોના વારસદારને રૂપિયા ચાર-ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી દીધી. ગુજરાતના ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શોક વ્યકત કરવા પહોંચી ગયા. સહાય આપી અને શોક વ્યકત કર્યો તેમાં ખોટું કઈ નથી, પણ આટલુ કરી રાજ્ય સરકાર પોતાની જવાબદારી પુર્ણ કરી હોય તેવું માનતી હોય તો યોગ્ય નથી.

ગુજરાતના વિકાસના બણગા આપણે ગુજરાતમાં અને ગુજરાત  બહાર બહુ મારીએ છીએ, પણ આ અકસ્માતની એક ઘટનાએ આપણે કેવા વિકાસ તરફ જઈ રહ્યા છીએ તે તરફ અંગુલી નિર્દેશ કર્યો છે, આપણા રસ્તા સારા છે, આપણી  ટ્રાન્સપોર્ટ સર્વિસ સારી છે તેવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સાથે આપણે સરખામણી કરીએ છીએ તેના કારણે આપણને તે સારી લાગે છે. વિકાસ થયો છે તેની ના નથી, પણ દેખાતો વિકાસ માત્ર શહેરો પુરતો સિમીત રહી ગયો છે, અમદાવાદ જેવા શહેરોમાં જ્યારે આપણે મેટ્રો ટ્રેન દોડાવવાની વાત કરી છીએ ત્યારે હજી સુધી ગુજરાતના અનેક ગામડાઓમાં એસટી બસની સુવિધા પણ સારી રીતે પહોંચી નથી.

જેના કારણે આજે હજારો ખાનગી બસો, છકડાઓ અને ટ્કોમાં લોકો મુસાફરી કરે છે, જેના ઘરમાં લગ્ન હોય તે શું કામ લકઝરી બસમાં નહીં તો પણ સાદી બસમાં જવાનું છોડી ટ્રકમાં જાન લઈ જવાનું પસંદ કરે, તેનો અર્થ તેમની પાસે બસમાં જાન લઈ જવાના ખર્ચ કરતા ટ્રકમાં જાન લઈ જવી વધુ સસ્તી પડતી હતી. તેના કારણે લગ્નની જાન ટ્રકમાં જવા નિકળી હતી અને જેમાં 31 વ્યકિતઓના જીવ જતા રહ્યા છે. ગુજરાત સરકારે તમામ મૃતકોની ચાર લાખ અને ઈજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી ઉપકાર કર્યો નથી, પણ રાજ્ય  સરાકર પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગઈ, જેના કારણે 31 માણસોના મોત થયા તેનું વળતર સરકાર ચુકવી રહી છે.

રાજય સરકાર ચાર લાખ ચુકવી દે તો પણ જેમણે પોતાના પરિવાર ગુમાવ્યો છે તેમને ચાર લાખ મળવા છતાં પોતાનો પરિવાર પાછો મળવાનો નથી. અહીં સવાલ માત્ર પૈસાનો નથી, પણ જ્યારે ગુજરાત મોડેલની આપણે વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતના એક પણ નાગરિકને ટ્રકમાં કે પછી ગેરકાયદે ફરતી જીપોમાં ઘેટા-બકરાની જેમ મુસાફરી કરવી પડે નહીં અને તે પણ શહેરી માણસની જેમ આરામદાયક મુસાફરી કરી શકે ત્યારે વિકાસ થયો કહેવાશે.