મેરાન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા: દ્વારકા સ્થિત ઘડી ડિટર્જન્ટ કંપનીની જોહુકમી સામે બે સ્થાનીક ખેડૂતોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા સનસનાટી સાથે દોડધામ મચી જવા પામી હતી. પોતાની ખેતીની જમીનમાંથી ધરાર વીજ પોલ ઉભા કરવામાં આવતા ખેડૂતો દ્વારા આ કામગીરીનો વિરોધ કરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે કેરોસીન છાંટી સળગે તે પૂર્વે દ્વારકા પોલીસે બંને ખેડૂતને આંતરી લઇ અટકાયત કરી હતી.

જમીન સંપાદનથી માંડી કોન્ટ્રાક્ટ કંપનીઓ સાથેનો વિવાદ હોય કે પછી કંપની સામે જ દારૂ સહિતની ચાલતી અસામાજિક પ્રવૃત્તિ હોય  કે પછી મજુર વસાહતમાં બાળકી પર દુષ્કર્મનો મામલો હોય આ તમામ બાબતે દેવભૂમિ દ્વારકા જીલ્લાની ઘડી ડિટર્જન્ટ કંપની હંમેશા વિવાદમાં રહી છે. હજુ જમીન સંપાદનના મામલો કોર્ટમાં પેન્ડીંગ છે ત્યાં આજે જે ગામના સર્વે નંબરમાં ઘડી ડિટર્જન્ટ કંપની ઉભી કરવામાં આવી રહી છે તે દ્વારકા તાલુકાના કુરંગા ગામના ભરત સાર્દુલભાઈ ગઢવી અને કાનાભાઈ ભીખાભાઈ રાઠોડ નામના બે ખેડતોએ કંપની સામે જ પોતાની જમીનમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની અને વીજ કંપની દ્વારા પોતાની જમીનમાં મંજુરી વગર કે કોઈ વળતર ચુકવાયા વિના જ જો હુકમી પૂર્વક વીજ પોલ ઉભા કરવામાં આવે છે. અગાઉ આ બાબતે બંને ખેડૂતો દ્વારા રજુઆત કરી બંને કંપનીઓને સરકારી ખરાબામાં સર્વે કરી વીજ પોલ ઉભા કરવા રજૂઆત કરી હતી. પરંતુ જેનો અનાદર કરી કંપનીઓ દ્વારા જો હુકમી પૂર્વક માલિકીના ખેતરોમાંથી વીજ પોલ ઉભા કરવાની કામગીરી અવિરત રાખતા જેના વિરોધરૂપે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.

કંપની અને ખેડૂતો વચ્ચે થયેલા વિખવાદની જાણ થતા જ દ્વારકા પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને બંને ખેડૂતો આત્મવિલોપન કરી તે પૂર્વે જ બંનેની અટકાયત કરી દ્વારકા પોલીસ દફતર લઇ જવામાં આવ્યા હતા. જો કે હાલ પુરતો આ મુદ્દો શાંત પડી ગયો છે. પરંતુ કંપની ફરી આ કામગીરી શરુ કરશે ત્યારે વધુ ઘર્ષણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.