મેરાન્યૂઝ નેટવર્ક, શામળાજી: શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર ઉત્તર ભારતના રાજ્યોમાંથી ઠલવાતો વિદેશી દારૂ અટકાવવા ચુસ્ત નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરાતા બુટલેગરો મરણીયા બન્યા છે. રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરી આવનાર બુટલેગરને અટકાવતા ઇનોવાના ચાલકે પોલીસ પકડથી બચવા હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરાતા ગભરાયેલા બુટલેગરે ઇનોવા રોંગ સાઈડ હંકારી પેસેન્જર રિક્ષાને અડફેટે લેતા ૪ મુસાફરોના શરીરે ઈજાઓ પહોંચી હતી. જેમને શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શામળાજી પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શામળાજી બસ સ્ટેન્ડ નજીક રોન્ગ સાઈડ વિદેશી દારૂ ભરી આવનાર ઇનોવા કાર ના ચાલકે પુરઝડપે હંકારતા લોકોએ બુમાબુમ કરી મૂકી હતી. પોલીસ પકડથી બચવા ઇનોવા કાર અને શામળાજી પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ઇનોવા કારના ચાલકે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-૮ પર રોડ પર ઉભેલી પેસેન્જર રિક્ષાને અડફેટે લઈ ભાગવા જતા ઇનોવા કાર અટકી જતા પોલીસે બુટલગરને દબોચી લીધો હતો અને ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે શામળાજી સરકારી દવાખાને ખસેડાયા હતા. આજે સવારે બનેલી ઘટના બપોર સુધી પોલીસ ચપોડે ન નોંધાતા પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર શામળાજી પોલીસ પણ ક્યા પ્રકારનો ગુન્હો નોંધવો તે અંગે મુંજવણ અનુભવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. શામળાજીનાં પીએસઆઈ કેતન વ્યાસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ફોન ઉઠાવવાની તસ્દી લીધી ન હતી.