મેરાન્યૂઝ નેટવર્ક, ખેડા: દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી પોતાના વતન ખંભાત જઇ રહેલા એનઆરઆઇ પરિવારની કારને ગઇકાલે મંગળવારે સવારે અકસ્માત નડતા માતા-પિતા અને પુત્રના ખેડા-અમદાવાદ બાયપાસ રોડ પર મોત નિપજ્યા હતા. જ્યારે પરિવારના અન્ય સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખંભાતના વતની શેવંતીલાલ પટેલ અને તેમના પત્ની અંજનાબેન ત્રણ મહિના પહેલા દુબઇ રહેતા પોતાના પુત્ર હિમાંશુભાઇને મળવા તથા રજાઓ માણવા માટે દુબઇ ગયા હતા. હિમાંશુભાઇ છેલ્લા ચાર વર્ષથી દુબઇની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જ્યાર બાદ મંગળવારે શેવંતીલાલ પટેલ, પત્ની અંજનાબેન, પુત્ર હિમાંશુભાઇ, પુત્રવધૂ હેલી અને પૌત્રી જીયાંશી દુબઇથી વિમાનમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. આ પરિવારને રિસિવ કરવા માટે ખંભાતથી ઇકો કાર બોલાવવામાં આવી હતી.

આ પટેલ પરિવારની કાર ખેડા-અમદાવાદ હાઇવે પર માતર તાલુકામાંથી પસાર થઇ રહેલ નવા હાઇવે પર ખોડીયાર ચોકડી નજીક ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં શેવંતીલાલ પટેલ, પત્ની અંજનાબેન તથા પુત્ર હિમાંશુભાઇના મોત નિપજ્યા હતા. જ્યારે હિમાંશુભાઇના પત્ની હેલી અને હિમાંશુભાઇની પુત્રી જીયાંશીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિમાંશુભાઇની પત્ની હેલી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. કારનો ચાલક પણ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.