ઉર્વીશ પટેલ (મેરાન્યૂઝ.વડોદરા): મતદાન કરવામાં આજે પણ સંપુર્ણ મતદાન મોટાભાગની બેઠકો પર જોવા મળતું નથી. ક્યાંક 50 તો ક્યાંક 70 ટકા પણ સંપુર્ણ મતદાન જોવા મળતું નથી. 100 ટકા મતદાન એક એક વોટથી થતું હોય છે અને તો જ સચોટ સરકાર બનતી હોય છે.

એક મતની કિંમત વડોદરાના આ 50 વટાવી ગયેલા મતદાર સારી રીતે જાણે છે, અને એટલે જ તે બહેરીનથી અહીં પોતાની પુત્રી સાથે મતદાન કરવા આવ્યા છે. વડોદરાના ન્યુ સમારોડ પર આવેલી ગીરધરકૃપા સોસાયટી ચાણક્યપુરી ખાતે રહેતા અને હાલ બહેરીનમાં રહેતા હિરેન કિરિટભાઈ બારોટ પોતાની પુત્રી ખુશબુ સાથે મતદાન કરવા અહીં આવ્યા છે.

તેમણે મતદાન કર્યા બાદ મેરાન્યૂઝ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, હું એક મતની કિંમત જાણું છું, તેને કોઈ રુપિયા કે અન્ય બીજા કોઈપણ તોલે તોલાય તેમ નથી. મત એ એક તાકાતનું પ્રતિક છે. હું અહીં મારો મત આપવા આવ્યો છું, મારી પુત્રી પણ મારી સાથે જ છે. ગુજરાતમાં હું એક એવી સરકાર ઈચ્છું છું જે લોકોને સુરક્ષા આપી શકે. મેં મત સુરક્ષા માટે કર્યો છે. મેં મારા મતની ખરી તાકાત જાણી છે તેથી હું તમામને કહીશ કે અચુક મતદાન કરો અને પોતાની ફરજ અને હક બંને નીભાવો.