મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા ગુજરાતમાં ભાજપ વિરોધી સંગઠન ઉભું કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. કૉંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ ગુજરાતમાં ચૂંટણી જોડાણ થઈ શકે એવા રાજકીય પક્ષો સાથે સમજૂતીની ચર્ચા શરૂ કરી છે. જે અંતર્ગત પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જનતાદળ સાથે પણ બેઠકોની વહેંચણી અંગે સમજૂતી કરવાની વાતચીત શરૂ કરાઇ છે.

કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે ગુજરાતમાં જનતા દળનો ચહેરો ગણાતા છોટુભાઈ વસાવા સાથે ચર્ચા કરી હતી. વસાવા હવે વિધાનસભાની બેઠકોની વહેંચણી અંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના આગેવાન અને પ્રભારી અશોક ગેહલોત સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત કૉંગ્રેસના સૂત્રોએ જણાવ્યા મુજબ, ત્રણ એક્ટિવિસ્ટ હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સાથે ચૂંટણી સમજૂતી કરવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. તેમજ આ ત્રણેય લોકોમાં પોતાના વર્ચસ્વને આધારે વાસ્તવવાદી અભિગમ અપનાવી બેઠકોની માગણી કરે તો ચૂંટણી સમજૂતીની વાત આગળ વધી શકે છે.

કૉંગ્રેસના ગુજરાત એકમના ઉપપ્રમુખ સત્યજિત ગાયકવાડે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન માત્ર કૉંગ્રેસની જ ટીકા કરે છે. તે બતાવે છે કે કેન્દ્ર અને ગુજરાતમાંની ભાજપની સરકારો વિકાસના કામ કરવામાં નિષ્ફળ નીવડી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સોમવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. હવે દિવાળી પછી કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવનાર છે. ત્યારે તહેવારો પૂર્ણ થયા બાદ સમગ્ર ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઇ જવાની શક્યતા અનુભવીઓ જણાવી રહ્યા છે.