મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં સરદાર પટેલની જન્મજયંતી ૩૧ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના અનાવરણ માટે રાજ્ય સરકાર ધ્વારા યુધ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રચાર-પ્રસારના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ગુજરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફરી એકવાર હોર્ડિંગ્સ વગેરેમાંથી ગાયબ કરવામાં આવતા ભાજપ સરકારની યુનિટી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. જો આ નિર્ણય રાજ્ય સરકારની નીતિ-રીતિના ભાગરૂપે હોય તો ભાજપ અને પાટીદાર સમાજની યુનિટી અંગે પણ વિવાદાસ્પદ કહેવાય..! જ્યારે નામદાર કોર્ટના કારણે નાયબ મુખ્યમંત્રીની બાદબાકી કરવામાં આવતી હોય તો આ પદની ગરીમાથી લઇ આ નેતાનું કદ એટલું વામન ના બનાવવું જોઈએ કે, જાહેરાતના ખર્ચા સામે તેમની સદંતર અવગણના જ કરવામાં આવે..!

આગામી ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલના જન્મદિને સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણના કાર્યક્રમાં અંગે મુખ્યમંત્રી સહીત મંત્રીમંડળના સભ્યો અને અન્ય ધારાસભ્યો સહીત ઉચ્ચ અધિકારીઓ ધ્વારા વિવિધ રાજ્યોમાં જઈ રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. શરૂઆતમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ વગેરેને ૩૧ ઓક્ટોબરે જ બોલાવવાના હતા.પરંતુ પરપ્રાંતીયો ઉપરના હુમલા પછી આ પહાડી વિસ્તારમાં સુરક્ષા અને આયોજનના બહાને હવે એક જ દિવસના બદલે તબક્કાવાર બોલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજે ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળની મુલાકાત લઇ તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ સાથે રાખી પ્રેજન્ટેશન નિહાળવા સાથે સમિક્ષા કરી હતી. ત્યારે ગાંધીનગરના પ્રવેશધ્વાર ચ-0 સર્કલ સહિત રાજ્યભરમાં વિશાળ હોર્ડીંગ્ઝ મુકવામાં આવ્યા છે. તેમાંથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ફોટાની ફરી એકવાર બાદબાકી કરવામાં આવી છે. હોર્ડિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જ ફોટો છે. તેમજે આ હર્ડિંગમાં સ્ટેચ્યુ ઑફ યુનિટિની વિશેષતા તથા સરદાર પટેલનું એક મોટુ કટઆઉટ મુકવામાં આવ્યું છે. આ હોર્ડિંગ્સ ગુજરાતીની સાથે અંગ્રીજી ભાષામાં લગાવવામાં આવ્યા છે.  

ગુજરાતમાં નવી સરકાર બની ત્યારથી કરવામાં આવેલા આ ફેરફારની ભાજપના સંગઠન સહીત પ્રજાએ પણ ખાસ નોધ લીધી છે. પરંતુ જયારે યુનિટી..નો સંદેશ સમગ્ર દેશને આપવાનો હોય ત્યારે સરકાર કે સમાજમાં જ એકતા નહિ હોવાની આ બાબત ભારે વિવાદાસ્પદ બની રહે તેમ લાગે છે. જો રૂપાણી સરકારે જ કોઈ પોલીસીના આધારે આ નિર્ણય કર્યો હોય તો ગુજરાત સરકારની યુનિટી માટે આ ખોટો મેસેજ જઈ રહ્યો છે. જયારે નામદાર કોર્ટની કોઈ ગાઈડલાઈનના આધારે નાયબ મુખ્યમંત્રીની બાદબાકી કરવામાં આવતી હોય તો આ પદની ગરીમાથી લઇ આ નેતાનું કદ એટલું વામન ના બનાવવું જોઈએ કે, જાહેરાતના ખર્ચા સામે તેમની સદંતર અવગણના જ કરવામાં આવે..! જો કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ પ્રતિમા બનતી હોય તો ભાજપે જ નીમેલા નાયબ મુખ્યમંત્રીના પદના ગૌરવ સામે જાહેરાતોમાં થોડા પૈસા વધારે ખર્ચીને પણ તેમનો હસતો ચહેરો મુકવો જોઈએ તેવી ભાજપ સંગઠન સહીત ઘણા સમર્થકોની લાગણી છે.