મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થતાં રાજ્યભરના ખેડૂતો પરેશાન છે અને પાકવીમાની માગણી કરી રહ્યા છે ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે લોલીપોપ સમાન રાહતની જાહેરાત કરી છે. નીતિન પટેલે જાહેરાત કરી કે રાજ્યના ૫૧ અછતગ્રસ્ત તાલુકાના ૩૨૯૧ ગામને સહાય મળશે. આ જાહેરાતને ઝીંણવટપૂર્વક જોવા જઇએ તો કોઈ તાલુકાના ૪૦ તો કોઈ તાલુકાના ૧૩૭ ગામને જ આ લાભ મળશે. એટલે કે સમગ્ર ૫૧ તાલુકાના તમામ ગામોના ખેડૂતોને આ લાભ નહીં મળે પરંતુ જે તે તાલુકાના અછતગ્રસ્ત જાહેર થયેલ ગામને જ મળશે. આ સમગ્ર મામલે બીજી વિસંગતતા તો એ ઉભી થવાની છે કે બે ગામની સીમ ભેગી થતી હશે ત્યા જો એક ગામને અસરગ્રસ્ત અને બીજાને અસરગ્રસ્ત જાહેર નહીં કરાયુ હો તો એક ખેડૂતને લાભ મળશે અને તેની બાજુમાં જ ખેતર ધરાવતા ખેડૂતને લાભ મળી તો.. તો શું એક ખેતરમાં ઓછો વરસાદ પડ્યો અને તેની બાજુના જ ખેતરમાં વધુ વરસાદ પડી ગયો હશે? આમ કેટલાક ખેડૂતો ખરેખર લાભ મેળવવા યોગ્ય હોવા છતાં તેમને ટેકનિકલ મુદ્દાઓને કારણે લાભ નહીં મળી શકે.    

રાજ્ય સરકાર ધ્વારા ગુજરાતમાં ૨૫૦ મિલીમીટર (અંદાજે ૬ ઇંચ) થી ઓછો વરસાદ પડયો હોય તેવા કુલ ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાઓમાં આગામી ૧ ડિસેમ્બરથી બે મહિના માટે ઢોરવાડા શરુ કરી પશુદીઠ રૂપિયા ૭૦ની પ્રતિદિન સહાય આપવા સાથે માત્ર રૂપિયા બેમાં કિલો પ્રમાણે ૪ કિલો ઘાસ આપવામાં આવશે. જયારે જે ખેડૂતોને ઓછા વરસાદમાં પાક સુકાઈ ગયો હોય તેમને વધુમાં વધુ બે હેક્ટર માટે હેક્ટર દીઠ રૂપિયા ૬૮૦૦ની મદદ બિયારણ-પાકની નુકશાની માટે કરવામાં આવશે. આ ઉપરાંત મનરેગા યોજના અંતર્ગત ૧૦૦ના બદલે ૧૫૦ દિવસ માનવ રોજગારી આપવા સાથે દિવાળી વેકેશનમાં બાળકો માટે મધ્યાહન ભોજન યોજના ચાલુ રાખવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિ અંગે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મંત્રીમંડળની તાકીદની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ જીલ્લામાં પાણીના સંકટ અંગે મળેલા અહેવાલના પગલે ઉભા થયેલા આ બેઠકમાં વિશદ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોડી સાંજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ભાજપના ધારસભ્યો, સંગઠનના આગેવાનો તેમજ પાંજરાપોળના સંચાલકો ધ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.તેના અનુસંધાનમાં રાજ્ય સરકાર ધ્વારા ૧૨૫ મિલીથી ઓછો વરસાદ હોય ત્યાં જ અછત જાહેર કરવાના બદલે ૨૫૦ મિલીથી ઓછો વરસાદ હોય તેવા કુલ ૫૧ તાલુકાઓમાં અછત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. જેનો અમલ તા.૧-૧-૨૦૧૮થી કરવામાં આવશે. જયારે પશુપાલકોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે કુલ ૪ કરોડ કિલો ઘાસ મંગાવવાનો નિર્ણય કર્યો છે. ટેન્ડરથી મહારાષ્ટ્ર અને અન્ય પાડોશી રાજ્યોમાંથી રૂપિયા ૧૧થી ૧૪ના ભાવે મળનારું આ ઘાસ પશુઓ માટે માત્ર બે રૂપિયે કિલો આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, ૫૧ અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકો અથવા પાંજરાપોળના સંચાલકો બે મહિના સુધી ઢોરવાડાનું આયોજન કરી શકશે. જેમાં એક મોટા પશુ દીઠ રૂપિયા ૭૦ અને નાના પશુદીઠ રૂપિયા ૩૫ની સહાય આપવામાં આવશે. જયારે બે મહિનાના સમય સિવાય પશુદીઠ રૂપિયા ૨૫ની સહાય આપવામાં આવશે. જયારે જે ખેડૂતોને ઓછા વરસાદમાં પાક સુકાઈ ગયો હોય તેમને વધુમાં વધુ બે હેક્ટર માટે હેક્ટર દીઠ રૂપિયા ૬૮૦૦ની મદદ બિયારણ-પાકની નુકશાની માટે કરવામાં આવશે. આ ૫૧ તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત ૧૦૦ દિવસના બદલે ૧૫૦ દિવસની માનવ રોજગારી આપવામાં આવશે. જયારે આ તાલુકાઓના બાળકોને પોષણયુકત આહાર મળી રહે તે માટે દિવાળી વેકેશન અને રજાઓમાં પણ મધ્યાહન યોજનાનો લાભ આપવામાં આવશે.

ગુજરાત સરકારની લોલીપોપ સમાન જાહેરાતની વિગત નીચે પ્રમાણે છે.

-અમદાવાદ જિલ્લાના ૩ તાલુકા માંડલના ૩૭ ગામ, વિરમગામના ૬૮, દેત્રોજના ૫૧ ગામનો સામાવેશ કરાયો છે.

-બનાસકાંઠા જિલ્લાના ૧૦ તાલુકા વાવના ૭૮, સુઇ ગામના ૪૨, કાંકરેજના ૧૦૨, થરાદના ૧૨૪, લાખાણીના ૫૩, ધાનેરાના ૭૮, ભાંભરના ૫૩, દિયોદરના ૬૪, ડીસાના ૧૧૩ ગામનો સમાવેશ કરાયો છે.

- ભાવનગર જિલ્લાના એકમાત્ર ગારિયાધર તાલુકાના ૫૦ ગામનો સમાવેશ કરાયો છે.

-દેવભૂમી દ્વારકાના માત્ર બે તાલુકા દ્વારકાના ૪૩ અને કલ્યાણપુરના ૬૬ ગામનો સમાવેશ કરાયો છે.

-જામનગર જિલ્લાના બે તાલુકા ધ્રોલના ૪૨, જોડિયાના ૩૭ ગામનો સમાવેશ કરાયો છે.

- કચ્છ જિલ્લાના દસ તાલુકા લખપતના ૨૮, રાપરના ૯૭, અબડાસાના ૧૧૩, નખત્રાણાના ૧૨૯, ભૂજના ૧૩૭, ભચાઉના ૭૧, માંડવીના ૮૯, મુંદ્રા ૬૨, અંજાર ૬૭, ગાંધીધામના ૮ ગામનો સમાવેશ કરાયો છે.

-મહેસાણાના ચાર તાલુકા જોટાણાના ૩૫, વીસનગરના ૫૮, ખેરાલુના ૫૦, ઉંઝાના ૩૨ ગામનો સમાવેશ કરાયો છે.

-મોરબીના ત્રણ તાલુકા હળવદના ૬૭, માળિયા મિયાણાના ૪૪, વાંકાનેરના ૧૦૧ ગામનો સમાવેશ કરાયો છે.

-પાટણ જિલ્લાના આઠ તાલુકા ચાણસ્માના ૬૦, સાંતલપુરના ૭૧, પાટણના ૬૮, સમીના ૫૮, શંખેશ્વરના ૩૬, હારિજના ૪૬, રાધનપુરના ૫૬, સરસ્વતીના ૭૧ ગામનો સમાવેશ કરાયો છે.  

-રાજકોટ જિલ્લાના માત્ર બે તાલુકા પડધરીના ૫૮ અને વિંછીયાના ૪૬ ગામનો સમાવેશ કરાયો છે.

-સુરેન્દ્રનગર જિલ્લાના સાત તાલુકા લખતરના ૪૩, ધ્રાંગધ્રાના ૬૫, થાનગઢના ૨૯, મૂળીના ૫૪, દસાડાના ૮૯, સાયલાના ૭૧, લીંબડીના ૬૧ ગામનો સમાવેશ કરાયો છે.

-ગુજરાતના ૧૮ હજાર ગામડાઓમાંથી માત્ર ૩૨૯૧  ગામડાઓને અછગ્રસ્ત હોવાનો લાભ મળશે.