મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં નશાબંધી અને જુગારધારાનો ચુસ્તપણે અમલ કરવા માટે અસરકારક પગલા લેવામાં આવે છે. પરંતુ સ્થાનિક પોલીસ ફરજમાં ઉદાસીનતા અને નિષ્ક્રિયતા દાખવતી હોવાને કારણે તેમજ તેમના પર શિક્ષાત્કમ અને ખાતાકીય પગલા લેવા માટે બહારની એજંસી દ્વારા દરોડો પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસને સાથે રાખ્યા વગર હવે કામગીરી કરવાની સૂચના રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આપી છે. જેના કારણે  લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડીસીબી, એન્ટી ડેકોઈટી સેલ, ઓર્ગેનઆઈઝડ ક્રાઈમ સેલ જેવી પોલીસ એજન્સીઓ હવે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના દારૂ-જુગારની પ્રવૃતિઓ ઉપર રેડ કરી શકશે.

ગુજરાત રાજ્યના પોલીસ વડા ધ્વારા દારૂ, જુગાર અને ડ્રગ્સના અન્ય એજન્સીઓએ શોધેલા ગણનાપાત્ર કેસોમાં સંયુક્ત રેડ નહિ બતાવવા આદેશ કરવામાં આવ્યો છે. હાલમાં જુદી જુદી એજન્સીઓ સ્થાનિક પોલીસને સાથે રાખીને જે તે સ્થળે દરોડો પાડે છે. જેમાં ગુનેગારોને અગાઉથી બાતમી મળી જતી હોવાની અથવા તો સ્થાનિક પોલીસને બચાવવામાં આવતી હોવાની આશંકાના પગલે  પોલીસ વડા ધ્વારા આ પરિપત્ર કર્યો હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

આ પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં નશાબંધી અને જુગારધારાનો ચુસ્તપણે અમલ કરવામાં સ્થાનિક પોલીસ ફરજમાં નિષ્ક્રિયતા કે બિન કાર્યક્ષમતા દાખવે તો તેમની સામે વિવિધ પ્રકારે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલી છે. ગૃહ વિભાગની આ સૂચનાઓનું કડક પાલન કરવા સંયુક્ત રેડ નહિ બતાવવા સુચના આપવામાં આવેઈ હોવા છતાં તેનું પાલન થતું નથી તે યોગ્ય નથી.આથી આદેશ કરવામાં આવે છે કે, અત્યારની બહારની વિવિધ પોલીસ એજન્સીઓએ સ્વતંત્ર રીતે રેડ-કેસો કરવાના રહેશે.જયારે એકસરખી બાતમીવાળા કિસ્સામાં બહારની એજન્સી અથવા સ્થાનિક પોલીસ જે રેડના સ્થળે વહેલા પહોચે તેની સ્વતંત્ર રેડ ગણવામાં આવશે.