મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં દલિત યુવકે નામ પાછળ ‘સિંહ’ લખાવવા મુદ્દે થયેલી મારપીટ બાદ હવે વધુ એક દલિત યુવક પર અત્યાચારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક દલિત યુવકને માર મારતા કેટલાક યુવકો કહી રહ્યા છે કે તને દરબાર થવાનો બહુ શોખ છે?

ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ અનુસાર આ વીડિયો ગુજરાતના અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ગામનો છે. જ્યા એક દલિત યુવકે દરબારોની જેમ પગમાં મોજડી અને ગળામાં સોનાનો દોરો પહેર્યો હતો. જેથી ગામના કેટલાક કથિત રીતે ઉચ્ચ જ્ઞાતિના યુવકોએ આ દલિત યુવકને ભેગા થઇને અવાવરુ જગ્યાએ લઇ જઇ તેને દરબાર બનવું છે તેમ કહી માર માર્યો હતો. દલિતને માર મારતા સમયે આ યુવકો કહી રહ્યા છે કે પગમા મોજડી પહેરીને દરબાર જેવો વેશ ધારણ કરે છે. આમ એક દલિત યુવકને પગમાં મોજડી પહેરવી પણ ભારે પડી રહી છે.

ગુજરાતમાં જ્યાં એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં સતત દલિત યુવકો પર અત્યાચારના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું.