પ્રશાંત દયાળ, (મેરાન્યૂઝ અમદાવાદ):  ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં માળિયા પાસે કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારી  હત્યા કરી નાખી હતી. આ મામલે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત રેલવે પોલીસ હત્યારાને શોધી કાઢવા આકાશ-પાતાળ એક કરી રહી છે. દરમ્યાન સામે જે તથ્યો આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. પોલીસ હત્યાના કારણો સુધી પહોંચવા માટે એક એક શક્યતાઓ તપાસી રહી છે. પોલીસને  હાથ  લાગેલા પુરાવા પ્રમાણે હત્યાના બે કલાક પહેલા જયંતી ભાનુશાળીએ કોંગ્રેસના નેતા બાબુ મેઘજી શાહ સાથે ફોન ઉપર વાત કરી હતી. જોકે પોલીસ  ફોડ પાડવા તૈયાર નથી કે જયંતી ભાનુશાળી ક્યા સંદર્ભમાં કોંગ્રેસી નેતાઓ સાથે વાત કરી રહ્યા હતા.
 
હત્યાના કારણો અને હત્યારા સુધી પહોંચવા માટે પોલીસની વિવિધ ટીમો કામ કરી રહી છે. જેમાં જયંતિ ભાનુશાળી જેમના પણ સંપર્કમાં હતા તે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે અથવા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર  ભાનુશાળી  અમદાવાદની કમલ  ભાટિયા નામની વ્યક્તિના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે હાલ આ તબક્કે પોલીસ કોની કોની પૂછપરછ થઈ રહી છે તે કહેવા માગતી નથી. પરંતુ ભાનુશાળીના ધંધાકીય વ્યવહારો, તેમની સામે  દુષ્કર્મની  ફરિયાદ સહિત મહિલાઓ સાથેના સંબંધોની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ તબક્કે પોતે કંઈ જોયું જ નથી તેઓ દાવો કરનાર જયંતિ ભાનુશાલીના  સહપ્રવાસી  પવન મૌર્યએ કબૂલ્યું કે તેણે હત્યારાઓને જોયા છે. પોલીસે તેની મદદ લઇ હત્યારાઓના સ્કેચ બનાવવાની પણ શરુઆત કરી છે તથા ભાનુશાળી ઉપર ગોળી ચલાવનાર યુવક પવન મૌર્યની બેગ  લઈ ગયો હતો. એવું અનુમાન છે કે હત્યારો ભાનુશાળી પાસેથી કોઈક મહત્વના પુરાવા લેવા માટે આવ્યો હતો તેથી પોતાની સાથે પવનની બેગ  તેમજ ભાનુશાલીનો એક મોબાઈલ ફોન પણ લઈ ગયો છે. પવનની  જે બેગ લઈ જવામાં આવી હતી તેને હત્યારાઓએ થોડેક જ દૂર  ફંફોસ્યા  બાદ ફેંકી દીધી હતી. જ્યારે પોલીસને ભાનુશાળીની બેગમાંથી કેટલાક જમીનના દસ્તાવેજો અને  સેક્સ સીડી સંદર્ભના પેપર કટિંગ મળી આવ્યા છે. પોલીસ અનુમાન લગાવી રહી છે કે ભાનુશાળી પાસે રહેલા કોઈ મહત્વના પુરાવને લઈને તેમની હત્યા કરવામાં આવી છે.

ગાંધીનગરમાં વર્તુળમાં એવી પણ ચર્ચા છે કે જયંતી ભાનુશાળી અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વચ્ચે ખૂબ જ નિકટતા  છે. ભાનુશાળી ભાજપના નારાજ ધારાસભ્યોનો સંપર્ક કરી પુરષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી રજૂઆત અગાઉ હાઇકમાન્ડ સમક્ષ  કરી ચૂક્યા છે. આ અટકળો વચ્ચે જ્યારે અત્યારે થોડાક સમય પહેલા જ તેઓ કોંગ્રેસી નેતાઓના સંપર્કમાં હોવાની વાત બહાર આવતા હત્યાના કારણો  રાજકીય હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.