મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  સ્ટેટ GST વિભાગે ગોંડલના ૩, ડીસાના ૧ અને ઊંઝાના ૨ વેપારીઓનો GST રેજીમમાં રૂ.૧૦૦૦ કરોડનું બિલીંગ કૌભાંડ કરી રૂ.૫૮ કરોડનો ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ખોટી રીતે તબદીલ કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવાના આરોપમાં ધડપકડ કરી છે.

એડીબલ અને નોન એડીબલ ઓઈલ કંપનીમાં  થતી કરચોરીઓ અટકાવવા માટે સ્ટેટ GST વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાંચ દ્વારા જુન અને સપ્ટેમ્બર  માસ દરમિયાન ૧૦૦થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવેલ હતા. જેમાં બહાર આવ્યું હતું કે આંધ્રપ્રદેશ અને તેલંગાના માંથી રાઈસબ્રાન ઓઈલની ખરીદી કરી તે માલને મહારાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના વેપારીઓને બીલ વગર જ વેચાણ કરી દેવામાં આવતું હતું.  જેમાં ગુજરાતના કેટલાક વેપારીઓ IGSTની  ક્રેડીટ મેળવી લઈ તેની સામે ભરવાપાત્ર વેરામાં કરચોરી કરતાં હતા જેમાં કર્ણાટક રાજ્યમાં પણ તપાસ કરવામાં આવી હતી. આમાં ગુજરાતમાં વિવિધ રીફાઈનારીમાં જુદા જુદા  ટ્રેડર્સના નામે પામોલીન તેલની ખરીદી કરી તેના બીલ વગર વેચાણો કરવામાં આવતા અને આવા ખરીદ  બીલોને આધારે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા  અન્ય વેપારીઓને ક્રેડીટની ગેરકાયદેસર તબદીલી કરવા માટે માલ આપ્યા વિના ફક્ત બીલો જ આપવામાં આવતા અને કોમોડીટીમાં પણ બે નંબરમાં માલનું વેચાણ કરવામાં આવતું  હતું. આવા કામમાં તપાસમાં ખાસ ગોંડલ અને ઊંઝા આવી ઘટનાઓના કેંદ્ર તરીકે તપાસમાં બહાર આવ્યા છે.

આ કૌભાંડમાં સ્ટેટ GST એ ગોંડલમના વિમલભાઈ ભૂત અને અનીલ ભૂત દ્વારા પેઢીઓ ઉભી કરીને તેમાં માલની ખરીદી કરી તેના બીલ વિના વેચાણ કરી ફક્ત વેચાણ બીલ જ વેપારીઓને આપ્યા હતા અને કેટલાક કેસોમાં ફક્ત બીલની આપ-લે કરી હતી જેમાં ૪૭૦.૭૬ કરોડના ખોટા વેચાણ બીલો આપ્યા હતા અને ખોટી રીતે ૨૩.૬૨ કરોડ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ખોટી રીતે તબદીલ કરી, એજ રીતે ગોંડલના રવિકુમાર વાજાએ ૮.૫ કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ખોટી રીતે તબદીલ કરી અને ડીસાના મેહુલકુમાર ઠક્કરે ૧૩.૫૪ કરોડ  અને ૧૨.૯૧ કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ખોટી રીતે તબદીલ કરી, અને ઊંઝાના અમિતકુમાર ઠક્કર અને મયુરકુમાર ઠક્કરે ૨૦ કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ખોટી રીતે તબદીલ કરી હતી.

આ ૬ આરોપી  સામે   GST રેજીમમાં રૂ.૧૦૦૦ કરોડનું બિલીંગ કૌભાંડ કરી રૂ.૫૮ કરોડનો ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ખોટી રીતે તબદીલ કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવાના આરોપમાં  ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્ષ અધિનિયમ-૨૦૧૭ની કલમ ૧૩૨-૧ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ૬ આરોપીઓના જ્યુડીશીયલ રિમાન્ડ મેળવવા માટે એડીશનલ ચીફ મેટ્રોપોલિટન  કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી છે.