મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: જીએસટી કૌભાંડનું એપી સેન્ટર બનેલ ગોંડલમાં ફરી જીએસટીના દરોડા શરૂ થતા કરચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સમગ્ર ગુજરાતમાં ગાજેલા ગોંડલના મગફળી કૌભાંડ બાદ ફરી એકવાર બીલિંગ કૌભાંડ માટે એપી સેન્ટર બનેલ ગોંડલમાં જીએસટીનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ વચ્ચે આજે દરોડાના દોરમાં ત્રણ વેપારીઓ ઝપટે ચઢ્યા હતા. જીએસટીનો રેલો બીજા અનેક વેપારીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે.

પ્રાપ્ત વિગતો મુજબ આશરે ચાર માસ પહેલા જીએસટી દ્વારા ગોંડલમાં બોગસ બીલીંગનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું અને તેના પડઘા દેશભરમાં ગૂંજ્યા હતા. આશરે એક હજાર કરોડના બીલિંગ કૌભાંડમાં ગોંડલના ત્રણ વેપારીઓ જેલ હવાલે થવા પામ્યા હતા. ઉપરોક્ત જેલ હવાલે થયેલ ત્રણ વેપારીઓની ક્રોસ-એન્ટ્રીમાં ઘણા વેપારીઓને નોટિસો મળી રહી છે ત્યારે આજે ફરી જીએસટી વિભાગની ટીમ ગોંડલમાં આવતા કરચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

ગોંડલના વેપારીઓમાં દલાલી માટે મોટું નામ ગણાતા વેપારીને ત્યાં ત્રણ ખુણીયા પાસે તેમજ માર્કેટિંગ યાર્ડ અને એક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જીએસટીના અધિકારીઓએ સાહિત્ય તપાસવાનું કામ શરૂ કરતા શહેરમાં વાયુવેગે વાત પ્રસરી જવા પામી હતી અને લાગતા-વળગતા હોય ટપોટપ પોતાની પેઢીઓને તાળા મારી જતા રહ્યા હતા.