મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  રાજ્યમાં નવી ૫૦ વોલ્વો બસ શરૂ કરનાર  એસટી નિગમને છેલ્લા છ વર્ષમાં વોલ્વો બસના સંચાલનમાં રૂપિયા 7.03 કરોડની માતબર ખોટ ગઈ છે. જ્યારે સમગ્ર રીતે જોઈએ તો એસટી નિગમને બે વર્ષ પહેલાના હિસાબો પ્રમાણે 2721.52 કરોડની એકંદરે ખોટ ગઈ છે. 
       
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કેગના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના એસટી નિગમને વર્ષ 2014 -૧૫માં થયેલા હિસાબો પ્રમાણે કુલ રૂપિયા 2721.52 કરોડની એકંદરે ખોટ ગઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે નવી ૫૦ નવી વોલ્વો બસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ 2011થી 2017 સુધીમાં કુલ રૂપિયા 7. 03 કરોડ રૂપિયાની માતબર ખોટ ગઈ છે. ગુજરાત રાજ્યમાં રોજના ૨૦ લાખ જેટલા મુસાફરોની હેરાફેરી કરતા ગુજરાત એસટી નિગમ દ્વારા ટૂંકાગાળાનું રોકાણ કરવાના કારણે રૂપિયા 6.97 કરોડનું વ્યાજ નુકસાન પડ્યું છે. જ્યારે વ્યાજ વગરના વ્યક્તિગત લેજર એકાઉન્ટની ના કારણે પણ રૂપિયા 3.96 કરોડનું નુકસાન ગયું છે. આમ આવા ટૂંકા ગાળાના રોકાણના કારણે એસટી નિગમને કુલ 11 કરોડ રૂપિયાના વ્યાજ નુકસાન થયું છે.