મેરાન્યૂઝ નેટવર્ક,મોરબી: ટંકારાના ચોકમાં આજે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મુકાયેલા બાંકડા મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી જતા જોત જોતામાં ટંકારાની બજારો ટપોટપ બંધ થઈ જતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસના ધાડેધાડા ઉતારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવતા સંપૂર્ણ સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો.  

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ગામે આજે બસસ્ટેન્ડ નજીક પૂર્વ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મુકવામાં આવેલા બેસવાના બાંકડા મુદ્દે બે જૂથના યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આ બોલાચાલીએ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથના ટોળા સામ સામે આવી જતા બંને પક્ષે યુવાનો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને રાજકોટ અને ટંકારા ખાતે ખસેડાયા હતા. દરમિયાન આ ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, એલસીબી, એસઓજી, સહિત સમગ્ર મોરબી જિલ્લાની પોલીસના ધાડેધાડા ટંકારામાં ખડકી દેવાયા હતા. જો કે હાલ ટંકારામાં પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબુમાં લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.