મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયા છેલ્લા એક મહિનાથી બંધ કરી દેવામાં આવ્યા બાદ વિરોધ અને સરકાર પ્રત્યે ખેડૂતોના રોષ વચ્ચે આજથી ખરીદી પ્રક્રિયાનો આરંભ થયો છે. પરંતુ સરકારે માત્ર 118 ખેડૂતોની જ યાદી મોકલતા અન્ય 2400 જેટલા ખેડૂતોની મગફળી ઘર માં જ રહી જશે. પાંચ દિવસ પછી ફરી ખેડૂતોનો રોષ પ્રબળ બનશે.

રાજ્ય સરકારે લાભ પાંચમથી શરૂ કરેલ મગફળીની ટેકાના ભાવની ખરીદી અવાર-નવાર વિવાદમાં રહી છે. સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલ મગફળીનો આ જથ્થો ક્યારેક સળગી જવા બાબતે તો ક્યારેક ખરીદી બંધ કરી દેવા બાબતે સરકારની આ યોજના ચર્ચાનું કેન્દ્ર રહી છે. રાજ્યભરના ખેડૂતોનો રોષ પ્રબળ બનતા અને આ રોષ ગામેગામથી ગાંધીનગર સુધી પહોચે તે પૂર્વે સરકારે એકાદ માસથી બંધ રહેલી ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા પુન: શરૂ કરી છે. જામનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના 4800 ખેડૂતોની સામે સરકાર દ્વારા આજ દિવસ સુધીમાં 2230 ખેડૂતો પાસેથી મગફળી ખરીદી છે. પરંતુ આ યાદીમાંથી સંપુર્ણ બાકી રહી ગયેલા 118 ખેડૂતોની પસંદગી ખરીદી પ્રક્રિયા માટે કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જામનગર માર્કેટીંગ યાર્ડને આ 118 ખેડૂતોની યાદીનો પત્ર મોકલી દેવામાં આવ્યો છે. યાર્ડ તંત્રએ આ તમામ ખેડૂતોને ફોન કરી આજથી જ શરૂ કરાયેલી ખરીદી પ્રક્રિયામાં જોડાવવા કહેવડાવી દીધું છે. પુન: શરૂ થયેલ ટેકાના ભાવના જામનગર માર્કેટીંગ યાર્ડ પર તા. 9  સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે એમ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું છે. બીજી તરફ તા.9 પછી આ ખરીદી બંધ કરી દેવામાં આવવામાં હોવાથી ફરી ખેડૂતોનો રોષ બહાર આવશે તેમા શંકાને સ્થાન નથી કેમ કે હજુ મગફળી ખરીદી પ્રક્રિયાએ અડધા ખેડૂતોને પણ ન્યાય આપ્યો નથી ત્યારે ખુલ્લા બજારમાં અપુરતા ભાવ હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

બીજી તરફ જામનગરના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુએ મંત્રી પદ સંભાળ્યા બાદ જામનગર સહિત રાજ્યભરના તમામ ખેડૂતોની મગફળી ખરીદવા સરકાર સક્ષમ હોવાનું અને ખરીદીને લઇને નાણાંની તંગી નહીં હોવાનું જાહેરમાં જણાવ્યું હતું. આ જાહેર બાદ સરકારે ટેકાના ભાવની ખરીદી બંધ કરી દેતા સરકારની નીતિ સામે ખેડૂતોનો રોષ પ્રબળ બન્યો છે. આ રોષને ઠારવા માટે હાલ સરકારે ખરીદી પ્રક્રિયા પુન: શરૂ કરી છે એમ જાણકારોએ મત વ્યક્ત કર્યો છે.