મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આજે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વિવિધ યોજનાઓ અંગે કરાયેલી જાહેરાતમાં ખાસ કરીને માત્ર ૩થી ૪ લાખ સુધીની આવક મર્યાદા પડકારરૂપ બને તેમ છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષથી જ રાજ્યની ૫૮ જેટલી બિનઅનામત જ્ઞાતિઓના લગભગ ૧.૫ કરોડ લોકોને શૈક્ષણિક તેમજ સ્વરોજગાર માટે વિવિધ લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ વિરોધને ડામી દેવા ભાજપ દ્વારા તૈયાર કરાયેલી યોજના પ્રમાણે આજે આ જાહેરાતો કરવામાં આવી છે. આ બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર યોજીને આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બંધારણીય અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં ૬ મહિના જેટલા સમયથી આ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્ય સરકરે આ નિગમ મારફતે જાહેર કરેલી વિવિધ યોજનાઓમાં ધોરણ ૧૨માં ૬૦ ટકા કરતાં વધુ મેળવનાર વિદ્યાર્થીઓને લાભ મળશે. જ્યારે કુંટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં ઓછી હોય તેમને જ ટ્યુશન ફી અથવા રૂપિયા ૧૦ લાખ સુધીની લોન ૪ ટકાના સાદા વ્યાજે મળશે. એ જ રીતે વિદેશમાં અભ્યાસ કરવા રૂપિયા ૪.૫૦ લાખની આવક મર્યાદા હોય તેમને ૧૫ લાખ સુધીની લોન મળશે. તો ટ્યુશન સહાય માટે ધોરણ ૧૦માં ૭૦ ટકા મેળવનારને ધોરણ ૧૧-૧૨ માટે ૧૫ હજાર આપવામાં આવશે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફૂડ બીલ માટે દર મહીને રૂપિયા ૧૨૦૦ની સહાય આપવામાં આવશે. જ્યારે નીટ, જેઈઈ અને જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે રૂપિયા ૨૦ હજારની સહાય આપવામાં આવશે. તો ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને પણ ટ્યુશન અને હોસ્ટેલના ફૂડ બીલમાં સહાયનો લાભ મળશે.

સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે ૧૮ થી ૫૦ વર્ષના લોકોને ૧૦ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જેમાં ૪  ટકા સાદા વ્યાજે આ લોન આપવામાં આવશે. જ્યારે સ્નાતકોને અભ્યાસ પછી વ્યવસાયલક્ષી ઓફીસ કે લેબ, કલીનીક વગેરે માટે ૧૦ લાખની લોન આપવામાં આવશે. તેમાં બેન્કના ઊંચા વ્યાજ સામે સરકાર-નિગમ વ્યાજમાં ૫ ટકાની રાહત આપશે. આ બધામાં પાંચ વર્ષ પછી લોન-વ્યાજની રકમ ચુકવવાની રહેશે.

જ્યારે યુવતીઓને તમામ સ્થળે મફત શિક્ષણ આપવામાં આવશે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ યોજનાઓ માટે સરકારે નિગમને રૂપિયા ૬૦૦ કરોડનું બજેટ ફાળવેલું છે. જેમાં જરૂરિયાત પ્રમાણે તબક્કાવાર બજેટ વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, બિનઅનામત વર્ગને શિક્ષણ તેમજ સ્વરોજગારી માટે આર્થિક મદદ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.