હિતેશ ચાવડા, ગાંધીનગર: ગુજરાત સરકારના ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરીમાં મેરાન્યૂઝ દ્વારા માહિતી અધિનિયમ-૨૦૦૫ અનુસાર કરવામાં આવેલી એક RTI અરજીના જવાબમાં સરકાર જુઠું બોલતી ઝડપાઈ છે. જેમાં એકબાજુ સરકારના ગ્રામીણ  વિકાસ કચેરી રાજ્યના તમામ જીલ્લાઓને જાહેર શૌચમુક્ત (ODF) હોવાનું જણાવે છે અને જીલ્લાઓ કચેરીઓ જણાવે છે તેમના ત્યાં કેટલા શૌચાલય બનાવવાના બાકી છે.

ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરીમાં RTI અરજીમાં (૧) રાજ્યમાં બેઝલાઈન સર્વે-૨૦૧૨ હેઠળ શૌચાલય ધરાવતા અને શૌચાલય વિહોણા પરિવારની વિશે,  (૨) રાજ્યમાં શૌચાલય બનાવવા વર્ષ ૨૦૧૪-વર્ષ ૨૦૧૮ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર ધ્વારા આપવામાં આવેલ ફંડ, (૩) સ્વચ્છતા મિશન હેઠળ બનાવવામાં આવેલ સુલભ શૌચાલય, (૪) મહિલાઓ માટેના શૌચાલય, (૫) રાજ્યમાં મે-૨૦૧૮ની સ્થિતિએ શૌચાલય વિહોણા પરિવાર અને (૬) રાજ્યના જાહેર શૌચમુક્ત જીલ્લાઓ વિશે માહિતી માંગવામાં આવી હતી.

આ માહિતીમાં રાજ્યની ગ્રામ વિકાસ કચેરી દ્વારા મુદ્દા નં. ૧, ૨ અને ૬ માહિતી આપવામાં આવી  અને આ અરજીને રાજ્યના જીલ્લાઓમાં તબદીલ કરી નાખવામાં આવી, આપેલ માહિતીમાં જણાવ્યું કે

    (૧) જેમાં રાજ્યમાં બેઝલાઈન સર્વે-૨૦૧૨  મુજબ ૩૩,૦૪,૨૧૭ કુટુંબો શૌચાલય વિહોણા હતા અને ૩૬,૯૦, ૫૦૫ જેટલા કુટુંબો શૌચાલય ધરાવતાં હતા.

(૨) રાજ્યમાં શૌચાલય બનાવવા માટે વર્ષ ૨૦૧૪-૨૦૧૮ દરમિયાન કેન્દ્ર સરકારે ૧૭૭૮.૯૬ કરોડ નું ફંડ અને રાજ્ય સરકારનું ૧૧૧૪.૨૦ કરોડનું ફંડ મળ્યું. જેમાંથી રાજ્યમાં ૩૨, ૫૧, ૧૦૫ શૌચાલય બનાવવામાં આવ્યા.

(૬) રાજ્યના ગ્રામ વિકાસ કચેરીના મદદનીશ જાહેર માહિતી ધ્વારા આપવામાં આવેલ માહિતીમાં જણાવ્યું કે રાજ્યના તમામ જીલ્લા ઓપન ડેફીકેશન ફ્રી છે.

જીલ્લાઓમાં તબદીલ કરી નાખવામાં આવેલ અરજીના જવાબમાં રાજ્યની જીલ્લા વિકાસ એજન્સીઓ અને તાલુકા પંચાયતો દ્વારા ભિન્ન જવાબ આપવામાં આવ્યા જેમાં સત્ય બહાર આવ્યું કે રાજ્યના મોટા જીલ્લાઓમાં હજી શૌચાલય બનાવવાના બાકી છે.

રાજ્ય સરકારના કમીશ્નર-ગ્રામ વિકાસ કચેરીના જવાબ મુજબ જો રાજ્યના તમામ જીલ્લાઓ ઓપન ડેફીકેશન ફ્રી છે તો રાજ્યના અન્ય મોટા એવા જીલ્લાઓમાં હજી શૌચાલયનું કામ બાકી છે, તો સરકાર શૌચાલયના મુદ્દે જુઠું બોલી રહી છે અને શૌચાલયનું કામ બાકી હોવા છતાં જીલ્લાઓને  ઓપન ડેફીકેશન ફ્રી જાહેર કરવામાં આવી દીધા છે. જ્યારે (નં-૬-જીલ્લા) બોટાદ- બનાસકાંઠા- રાજકોટ જીલ્લામાંથી આપવામાં આવેલ જવાબમાં આ જીલ્લાઓ ઓપન ડેફીકેશન ફ્રી જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યના જીલ્લાઓમાંથી આપવામાં આવેલી માહિતીમાં શૌચાલય વિહોણા પરિવારો વિષે જે માહિતી આપવામાં આવી તેમાં દાહોદ જીલ્લામાં ૧,૪૦,૪૦૨ પરિવારો, જૂનાગઢના માણાવદર તાલુકામાં-૧૨૬૬ પરિવારો, મહીસાગર જીલ્લામાં ૧૯,૫૨૬ પરિવારો, અમેરેલી જીલ્લામાં ૨૧,૩૨૦ પરિવારો, છોટા ઉદેપુર જીલ્લામાં ૨૬,૬૮૭ પરિવારો, ભાવનગર જીલ્લામાં ૪૮૩૪ પરિવારો, ઝઘડિયા તાલુકમાં ૫૦૬૪ પરિવારો, કચ્છ જીલ્લામાં ૧૪૮૭૮ પરિવારો,  સાબરકાંઠા જીલ્લામાં ૩૪,૬૦૭ પરિવારો, પાટણ જીલ્લામાં ૨૭, ૧૮૦ પરિવારો, વડોદરા જીલ્લામાં ૧૭,૮૭૪ પરિવારો હજી શૌચાલયવિહોણા છે.

 કઠલાલના તાલુકા પંચાયતના જાહેર માહિતી અધિકારી દ્વારા રૂપિયા ૭૬,૬૫૦ ફી માહિતીની કુલ ફી પેટે ચૂકવવાનું જણાવ્યું. જ્યારે ગોધરા જીલ્લા ગ્રામ વિકાસ એજેન્સી ધ્વારા માહિતી મેળવવા રૂબરૂ પધારવાનો જવાબ મોકલવામાં આવ્યો.

બનાસકાંઠા જીલ્લામાં ધાનેરા અને ડીસા તાલુકામાં ઓન પેપર વ્યક્તિગત શૌચાલયોનું બાંધકામ કામગીરી થયા સિવાય ગેરકાયદેસર રીતે NGOને ચુકવણું કરવામાં આવેલું હતું. તો આ લાભાર્થીઓના શૌચાલય બન્યા કે કેમ અને જો ન બન્યા હોય તો સરકાર કઈ રીતે બનાસકાંઠા જીલ્લાને ODF જાહેર કરી શકે એ પણ પશ્ન અત્રે ઉભો થાય છે. આ ઉપરાંત મેરાન્યુઝ દ્વારા બે મહિના અગાઉ, ખેડા જીલ્લાના નડીયાદ તાલુકાના પાલૈયા ગામની સ્ટોરી કરવામાં આવી હતી જેમાં શૌચાલય ધરાવતા પરિવારના નામે શૌચાલયના પૈસા ફળવાઈ ગયા હતા અને લાભાર્થીને એ સહાય પણ ન મળી કે ખબર પણ ન મળી અને એ રીતે ગેરરીતી આચરવામાં આવી હતી.