મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા અને રાજ્યમંત્રી આર.સી.ફળદુએ વર્ષ ૨૦૧૮-૧૯ના ટેકાના ભાવે મગફળી ખરીદી માટે આજે માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મગફળીની ખરીદી અંગે જાહેરાત કરી હતી. મગફળીની ખરીદીમાં થયેલા કૌભાંડમાં ગુજકોટ એજેન્સી, કે જે મગફળીની ખરીદી કરતી અજેન્સી હતી તેની પણ ઘણા આક્ષેપો થયા હતા. જેના પગલે આ વખતે સરકારે ગુજકોટની મગફળીની ખરીદીમાંથી બાકાત રાખી છે. આ વખતે મગફળીની ખરીદીમાં એક મણે રૂ.૨૩નો વધારો કરવામાં આવ્યો છે અને મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતી ન સર્જાય તે માટે મગફળીની ખરીદીનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે એવી જાહેરાત સરકારે કરી છે.

પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી કે ભારત સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૪૮૯૦ના ભાવે ખરીદી કરવામાં આવશે અને ગુજરાત સરકાર તેમાં ૧૧૦ રૂ. બોનસ રૂપે આપશે.  જેમાં ભારત સરકારની છત્ર યોજના પી.એમ આશા હેઠળ ટેકાના ભાવે રાજ્યની નોડલ એજેન્સી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે જેમાં તારીખ ૦૧ નવેમ્બેરથી ૩૦ નવેમ્બર ૨૦૧૮ સુધી ઓનલાઈન નોંધણી કરવામાં આવશે જે ખેડૂત નોંધણી કેન્દ્રો અને ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ નોંધણી કેંદ્ર ખાતે થશે.

વધુમાં જાહેરાત કરી છે કે નોંધણી સમયે જરૂરી પુરાવા અને IFSC સહીત બેંક ખાતાની માહિતી આપવી પડશે, જેમાં ૭/૧૨ ના ઉતારા સહીત તલાટીનો દાખલો રજુ કરવો પડશે.

રાજ્યમાં કુલ ૧૨૨ કેન્દ્રો પર ખરીદી શરુ કરવામાં આવશે, જેનું વિડીયો રેકોર્ડીંગ થશે તથા નાયબ કલેકટરની સ્કોડ સમયાંતરે  કેન્દ્રોની ચકાસણી કરશે. હાલમાં રાજ્યમાં ૧૪.૫૮ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જેમાં અંદાજીત ૨૬.૯૫ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થશે અને હેક્ટર દીઢ ૧૮૩૬ કિલો અંદાજીત ઉત્પાદકતા રહેશે.

આ વખતે ગુજકોટને બાકાત કરીને હવે માત્ર એજન્સી નાફેડ(નેશનલ એગ્રિકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ) મગફળીની ખરીદી કરશે.