મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગરથી માત્ર 8 કિલોમીટર પર મુખ્ય એસ જી હાઈ વે પર આવેલ તારાપુર ગામે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા નથી. નર્મદાનું પાણી નથી પહોંચતું અને ગામની શાળાનું મકાન ભયજનક સ્થિતિમાં છે, જ્યાં બાળકો ભયના વાતાવરણમાં ભણી રહ્યા છે અને શિક્ષકો ભણાવી રહ્યા છે.

૩,૦૦૦ લોકોની વસ્તી ધરાવતું તારાપુર ગામ, સરખેજ ગાંધીનગર હાઈ-વે પર આવેલુ છે. જે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્વર્ણિમ સંકુલની ઓફીસથી માત્ર ૮ કિમીના અંતરે આવેલું હોવા છતાં વિકાસથી વંચિત છે. ગામમાં પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ અને શાળાના મકાન જેવી પ્રાથમિક સુવિધાઓના નામે સરકાર દ્વારા ગામના વિકાસમાં કોઈ સહકાર આપવામાં આવતો નથી.

ગામમાં એક માત્ર પ્રાથમિક શાળા આવેલી છે જેમાં ૩૮૭ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ૧૦ ઓરડા છે, જેમાં ૬ ઓરડા ૩૦ વર્ષથી વધુ જુના છે. આ ૬ ઓરડામાં જ વધુ સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે. જેના દરેક ઓરડામાં દીવાલોમાં પોપડા ઉખડી ગયા છે, બીમના સળિયા દેખાય છે અને ગમે ત્યારે ક્લાસરૂમના બાળકો પર પડે એવી સ્થિતિમાં છે. પરંતુ સરકારી સારસંભાળના અભાવે આ શાળાનું મકાન નવું બનાવવામાં આવ્યુ નથી. શાળાના આચાર્ય કોકિલાબેન પટેલે જણાવ્યું કે શાળાના મકાનની ભયજનક હાલત વિષે ઉપર રજૂઆત કરી છે અને આ બાબતે તાત્કાલિક પગલા ભરવા અમે લેખિતમાં તાલુકા પંચાયતને જાણ કરી છે.

ગામમાં માત્ર એકાદ વર્ષ માટે જ નર્મદા કેનાલનું પાણી આપવામાં આવ્યું અને ત્યાર પછી નર્મદાનું  પાણી પહોંચાડતી કેનાલમાં પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું. વાંરવાર રજૂઆત કરવા છતાં સરકારના પાણીપુરવઠા વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં ના આવ્યા  અને છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં નર્મદાનું પાણી પહોંચતું નથી. ગામમાં પાણી પૂરું પાડવામાં માટે એક બોરવેલ કરવામાં આવ્યો હતો જે ફેલ ગયો હતો અને ત્યારબાદ અન્ય બોરવેલ  બનાવ્યો જેનું પાણી ગામમાં પહોંચે છે.

તારાપુર ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન ઠાકોરે જણાવ્યું કે ગામમાં ડ્રેનેજના પાણીની સમસ્યા છે, ગામનું ગટરનું- ગંદુ પાણીનો નિકાલ કરવાનો પ્રશ્ન છે અને ઉપરથી ગાંધીનગર-સરખેજ રોડ પહોળો કરવામાં આવે તો ગામની બહાર રોડ પાસે આવેલું તળાવ કપાતમાં જાય અને ત્યાં જતું પાણી અટકી જાય અને એની માટે અમે લેખિતમાં તાલુકામાં રજૂઆત કરી રહ્યા છે.

આ ન્યૂઝ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો