મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં સતા ગુમાવી ચુકેલા ભાજપને હવે સિરામિક ઉદ્યોગના પ્રશ્નો ઉકેલવાની સદબુદ્ધિ સુજી છે આ માટે આજે સરકારના ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગર ખાતે મોરબી સિરામિક ઉદ્યોગના હોદેદારો સાથે બેઠક કરી હતી.

ગાંધીનગર ખાતે રાજ્યના ચીફ જે.એન. સિંઘ, પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી એક.કે.દાસ, મુખ્યમંત્રીના પ્રિન્સિપલ બેનીવાલ, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા તથા ટુરીઝમ સેક્રેટરી એસ.જે. હૈદર સાથે મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ નીલેશ જેતપરિયા, વિટ્રીફાઈડ એસોસિએશન પ્રમુખ મુકેશ ઉઘરેજા તથા સુખદેવભાઈ પટેલ સહિતના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જેમાં નેચરલ ગેસ એગ્રીમેન્ટ, જીએસટી રીટર્ન, ઇન્ડસ્ટ્રઝ ઝોનના રોડ રસ્તા તથા નર્મદાના પાણી સહિતના પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી આ અંગે એસોસિએશનના પ્રમુખ નીલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સિરામિક ઉદ્યોગના પ્રશ્નો ઉકેલવા ખુબ પોઝીટીવ છે રાજ્યના ઉચ્ચાધિકારીઓએ અમારા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી જવાબદાર વિભાગોને આ અંગે સૂચનાઓ પણ આપી દીધી છે.

જોકે આ બેઠક પાછળની હકીકત કઈક જુદી હોવાનું રાજકીય આગેવાનો જણાવી રહ્યા છે મોરબીમાં સિરામિક ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રિતે ૫૦ હજારથી વધુ પરિવારો જોડાયેલા છે. મોરબી જીલ્લાની મોરબી, હળવદ, વાંકાનેર અને ટંકારા એમ ચારેય વિધાનસભા બેઠક પર ભાજપની હાર થઈ છે લોકસભા બેઠકો મુજબ રાજકોટ, કચ્છ અને જામનગર એમ ત્રણેય બેઠકોમાં મોરબી જીલ્લો વહેચાયેલો છે.

મોરબીમાં પાટીદાર આંદોલનની અસર પણ વધુ હતી જ્યારે મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ ૯૦% ઉદ્યોગકારો પાટીદાર છે, ત્યારે લોક્સભાની ચૂંટણીમાં ભાજપ તરફી પરિણામ મેળવવા માટેનો સરકારનો આ પ્રયાસ હોવાનું જણાઈ રહ્યું છે. બાકી સિરામિક ઉદ્યોગના રોડ રસ્તા, પાણી, ગેસ, ટ્રાન્સપોર્ટ નગર સહિતના પ્રશ્નો ખુબ લાંબા સમય પહેલાના છે અને આ અંગે વખતો વખત સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવતી રહી છે તેમ છતાં કોઈ પ્રશ્નોનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી ત્યારે અચાનક રાજ્ય સરકારનું આ વલણ કેટલા પ્રશ્નો ક્યારે ઉકેલે છે તે આવનારો સમય બતાવશે.