મેરાન્યૂઝ, નવી દિલ્હી: 4G ઇન્ટરનેટની શરુઆત બાદ હવે કેન્દ્ર સરકાર 5G તરફ આગળ વધી રહી છે. સરકારે આજે મંગળવારે એક ઉચ્ચકક્ષાની 5G સમિતિની રચના કરી. સમિતિને 2020 સુધીમાં 5G ટેકનોલોજીના અમલીકરણ માટે રૂપરેખા તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ટેલિકોમ મંત્રી મનોજ સિંન્હાએ જણાવ્યુ છે કે ‘અમે ઉચ્ચ સ્તરીય 5G કમિટિની રચના કરી છે જે આ વિશે દ્રષ્ટિકોણ, મિશન અને લક્ષ્યને લઇને કામ કરશે. મને વિશ્વાસ છે કે દુનિયામાં 2020માં જ્યારે 5G ટેકનોલોજી લાગુ થશે ત્યારે ભારત તેની સાથે ઉભુ હશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર 5G સાથે જોડાયેલી ગતિવિધિઓ માટે 500 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા પર કામ કરી રહી છે. આ કામ મુખ્ય રીતે રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનું હશે. 5G ટેકનોલોજી હેઠળ સરકારનું શહેરી વિસ્તારોમાં 10, 000 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ (MBPS) અને ગ્રામ્ય વિસ્તારોમાં 1000 એમબીપીએસ સ્પીડ ઉપલબ્ધ કરવાનું લક્ષ્ય છે. આ સમિતિમાં ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય અને સાયન્સ તથા ટેકનોલોજી વિભાગના સચિવ સામેલ છે.