મેરાન્યૂઝ નેટવર્ક, ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં બીઆરડી ઓક્સિજન કેસથી ચર્ચામાં આવેલા ડૉ. કફીલ ખાનનાં નાના ભાઇ કાસિફ જમીલ પર રવિવાર મોડી રાત્રે ગોરખનાથ મંદિર નજીક જીવલેણ હુમલો થયો. અજાણ્યા બાઇક ચાલકોએ કાસિફ પર ઘડાઘડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ ગોળી કાસિફને વાગી છે.

રવિવાર રાત્રે લગભગ 10: 30 વાગ્યે ડૉ. કફિલના ભાઇ કાસિફ પર જીવલેણ હુમલો થયો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર કાસિફને પોતાના અંગત કામેથી પરત ઘરે ફરી રહ્યા હતા. ગોરખનાથ મંદિર નજીક પુલ ક્રોસ કરતા જ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક પર સવાર બે શખ્સોએ તેમને રક્યા અને ત્યાર બાદ ઘડાઘડા અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં કાસિફને ત્રણ ગોળી વાગી. ઘાયલ સ્થિતિમાં જ કાસિફ બાઇક ચલાવી હોસ્પિટ્લા પહોંચ્યા અને ઘટના અંગે પરિવારને માહિતી આપી હતી. તેમને હાથના ભાગે વધુ ઇજાઓ થઇ છે. એસએસપી શલભ માથુરે જણાવ્યુ કે પોલીસની ટીમ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી સમગ્ર માહિતી મેળવી રહી છે અને ગુનેગારોને જલ્દી જ પકડી લેવામાં આવશે.   

ડૉ. કફીલ ખાન અને તેમનો પરિવાર સતત ઉત્તર પ્રદેશ સરકાર પર ગંભીર આક્ષેપ કરતો આવ્યો છે. બીઆરડી ઓક્સિજન કેસમાં જેલ ગયેલા કફીલે જામીન પર બહાર આવ્યા બાદ પણ પોતાના પરિવાર પર જોખમ હોવાની વાત કહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપના કારણે ઘણા બાળકોના મોત મામલે ડૉ,. કફીલને દોષિત માની જેલ મોકલવામાં આવ્યા હતા અને બાદમાં તેમને ઉત્તર પ્રદેશ હાઇકોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા.