મેરાન્યૂઝ નેટવર્ક, ન્યૂયોર્ક: ગુગલ દ્ધારા ન્યુયોર્કમાં નવું ઓફીસ કેમ્પસ ૧૭ લાખ સ્કેવર ફીટ વિસ્તારમાં એક અબજ ડોલર એટલે કે, ૭૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ ગુગલ હેડસન સ્કેવરનું નિર્માણ ૨૦૨૦ સુધીમાં કરવામાં આવશે.      

ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશનનાં આ મુખ્ય કેન્દ્ર હેડસન સ્કેવર કેમ્પસમાં બે ઈમારતો રહેશે. આ પહેલા વર્ષની શરૂઆતમાં ગુગલે ન્યુયોર્કમાં જ શોપિંગ અને ઓફીસ કોમ્પલેક્ષ ચેલ્સિયા માર્કેટને ૧૭૨૮૦ કરોડમાં ખરીદ્યું હતું. ગુગલના કહેવા પ્રમાણે આ બંનેમાં રોકાણના કારણે આગામી ૧૦ વર્ષમાં કંપની બે ગણાથી વધારે કર્મચારીઓ રાખી શકશે. ન્યુયોર્ક ખાતે ગુગલમાં અત્યારે ૭ હજાર જેટલા કર્મચારીઓ છે.

ગુગલના સીએફઓ રૂથ પોસ્ટે કહ્યું કે, કંપનીનું આ રોકાણ અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ અને રોજગાર વધારવાનાં વચનનો એક ભાગ છે. ગયા અઠવાડિયે એપલ દ્ધારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે, તે ટેક્સાસમાં નવું કેમ્પસ બનવવા માટે એક અબજ ડોલર ખર્ચ કરશે. આ ઉપરાંત એમેઝોન દ્ધારા પણ ન્યુયોર્કમાં નવું હેડક્વાર્ટર બનાવવા માટે ગયા મહીને જ જાહેરાત કરવામાં આવી છે. આ દરેક કંપનીઓના નવા કેમ્પસ સાથે કરોડો રૂપિયાના રોકાણના કારણે રોજગારીમાં વધારો થવા સાથે ગ્રાહકોને પણ નવી સુવિધા મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.