મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ ગોંડલ શહેરના સરકારી દવાખાના પાસે આવેલ ચોકમાં માંધાતાની પ્રતિમાના સ્ટેન્ડ પર બે યુવાનો દ્વારા અપશબ્દો લખેલા સ્ટીકરો લગાવાતા બબાલ મચી જવા પામી હતી, જોતજોતામાં જ લોકોના ટોળા એકઠા થઈ બંને યુવાનોને લમધારી નાખ્યા હતા અને અર્ધનગ્ન કરી બંને યુવાનો પાસે જ સ્ટીકરો ઉખેડાવ્યા હતા, બાદમાં કોળી સમાજના આગેવાનો દ્વારા બંને યુવાનોને પોલીસ હવાલે કરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભગવતપરા ખાતે સરકારી દવાખાના પાસે આવેલ ચોકમાં કોળી સમાજ દ્વારા માંધાતાની પ્રતિમા મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રતિમાના સ્ટેન્ડ પર આજે સવારના ભગવતપરામાં જ રહેતા કોળી સમાજના જ રણજીત ગિરધરભાઈ મકવાણા તેમજ દિલીપ ગોરધનભાઈ બાવળીયા દ્વારા અપશબ્દો લખેલા સ્ટીકર લગાવતા બબાલ મચી જવા પામી હતી. જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઇ બંને યુવાનોની પીટાઈ કરી નખાઈ હતી, અને અર્ધનગ્ન કરી બંને યુવાનો પાસે અપશબ્દો લખેલા સ્ટીકર ઉખેડાવામાં આવ્યા હતા, બાદમાં ઘટનાની જાણ કોળી સમાજના આગેવાન ભુપતભાઈ ડાભી ને થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવાનોને મેથીપાક ખાતા અટકાવી પોલીસ હવાલે કર્યા હતા, પોલીસતંત્ર દ્વારા યુવાનોને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

પોલીસને અપશબ્દો કહેતા સ્ટીકરો લગાવાયાની ચર્ચા

અપશબ્દો લખેલા સ્ટીકર ને પગલે ભગવતપરા ખાતે લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા, જેમાં ચર્ચા થવા લાગી હતી કે ઉપરોક્ત બંને યુવાનો દ્વારા પોલીસમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ વિરુદ્ધ અપશબ્દ લખેલા સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ યુવાનો દ્વારા સ્ટીકર લગાવવા સ્થળોની પસંદગી ખોટી થવા પામી હોય મેથીપાક ખાવાનો વારો આવ્યો હતો.