મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: ગોંડલમાં મગફળીની પુષ્કળ આવક હોવા છતાં મગફળી પીલતી મિલો માટે કપરા દિવસો ચાલી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલોછલ હોય ત્યારે બીજી તરફ મગફળી પીલતી ૬૦ ટકાથી વધુ મિલો બંધ હાલતમાં જોવા મળી રહી છે.

ગોંડલમાં મગફળી પીલતી મિલોની સંખ્યા ઘણી વધારે હોય પરંતુ હાલના ૭૦૦ રૂપિયાના ઉંચા ભાવે મગફળ લઈને પીલવી પોસાય તેમ ના હોવાથી મિલ બંધ રાખવાનું જ મિલરો ઉચિત માની રહ્યા છે. કારણકે ૧૦ ટનના ટેન્કરે ૨૫ હજારથી પણ વધુ નુકશાની સહન કરવી મિલરોને કોઈ રીતે પોસાય તેમ નથી. સારા વરસાદ અને મગફળીના મબલખ ઉત્પાદનને પગલે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થવા પામી છે. પરંતુ ભાવો ના પોસાતા હોવાથી મિલરો મિલ બંધ રાખી રહ્યા છે તો આજની તારીખે ૬૦ ટકા જેટલી મિલો બંધ પડી છે. સરકારે હાલ મગફળીના ટેકાના ભાવનું મથાળું ઊંચું આપી દેતા મિલરો માટે મુશ્કેલી સર્જાઈ છે. મિલરોને ૭૦૦ રૂપિયાના ભાવની મગફળી પણ પીલવી પોસતી નથી. એક કિલો સિંગતેલમાં ૩ થી ૪ રૂપિયાની નુકશાની સહન કરી રહ્યા છે ત્યારે સરકારે ખેડૂતો અને મિલ ઉદ્યોગને ધ્યાનમાં લઈને આયાતી તેલ પર ડ્યુટી વધારવાની જરૂરત હતી. જોકે આજે આયાતી તેલનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે જેથી સિંગતેલના ભાવો તળિયે પહોંચ્યા છે. જેને પગલે ઊંચા ભાવે મગફળી લઈને તેનું તેલ વેચવું પોસાય તેમ રહ્યું ના હોવાથી નુકશાની કરવાને બદલે મિલરો મિલ બંધ રાખવાનો નિર્ણય કરવા મજબુર બન્યા છે. ગોંડલમાં હાલ ૧૦૦ જેટલી ઓઈલ મિલોમાંથી ૬૦ જેટલી ઓઈલ મિલો ચાલુ અને બંધ જેવી સ્થિતિમાં કામ કરી રહી છે. એક તરફ મગફળીના ઊંચા ભાવની સામે સિંગતેલની બજારમાં ઓછી માંગ સહિતના પરિબળોને પગલે ઓઈલ મિલો મંદીનો સામનો કરી રહી છે.