મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: હડમતાળા જીઆઈડીસીમાં ગેસ ગળતર મામલે અધિકારીના અસંતોષકારક જવાબને પગલે ભોગ બનેલા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. તો આ મામલે નવો વળાંક જોવા મળ્યો છે જેમાં ફેક્ટરીના સંચાલકે ગેસ ગળતર અને પ્રદુષણની ફરિયાદ કરનારાઓએ ખંડણી માંગ્યાની ફરિયાદ કરી છે. જેથી મામલો વધુ પેચીદો બન્યો છે.

 રાજકોટના રહેવાસી અને ગોંડલ નજીકના હડમતાળા જીઆઈડીસીમાં મલ્લીન (પારમેક્સ) ફાર્મા નામની કેમિકલ ફેક્ટરીના સંચાલક અલ્કેશ રમણીકભાઈ ગોસળીયાએ ભૂણાવાના વિક્રમસિંહ જાડેજા અને ગોંડલના કૌશિક સોજીત્રા સામે ફરિયાદ નોંધાવી છે કે આ બંને શખ્શોએ તમારા કારખાનામાં ગેસ ગળતર થાય છે તેવો આક્ષેપ સાથે જો સમાધાન કરવું હોય તો રૂપિયા આપી જાઉં નહીતર જીવ ખોવો પડશે તેવી ધમકી આપી હતી અને ખંડણીની માંગણી કરી હોવાની ફરિયાદ કોટડાસાંગાણી પોલીસ મથકમાં કરતા ચકચાર મચી છે. તેમજ બંને શખ્શોએ ફોન કરીને તથા રૂબરૂમાં પણ ખંડણી માંગી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે ત્યારે ગેસ ગળતરના બનાવ મામલે નવો વળાંક જોવા મળી રહ્યો છે. કારણકે ગત શનિવારે જીઆઈડીસીમાં ગેસ ગળતર ઘટનાની અસરથી ત્રણ મજૂરોને હોસ્પિટલમાં ખસેડાયા હતા તો પ્રદુષણ અને ગેસ ગળતરની તંત્રમાં રજૂઆત કરનાર ખળભળાટ મચી જવા પામ્યો છે અને પ્રદુષણની ફરીયાદ જેની સામે કરવામાં આવી છે તે ફેક્ટરીના સંચાલકે ખંડણીની પોલીસ ફરિયાદ કરતા મામલો વધુ ગુચવાયો છે.

રજૂઆત કરનાર વિક્રમસિંહ જાડેજા સામે ખંડણી અંગે ફરિયાદ મામલે તેમણે જણાવ્યું હતું કે હડમતાળા જીઆઇડીસીમાં વારંવાર ગેસ ગળતર અને ઝેરી પ્રદૂષણ અંગે અમો છેલ્લા ત્રણ વર્ષથી ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી રહ્યા છીએ.  હડમતાળા ગ્રામ પંચાયત અને આસપાસના પ્રદૂષણના અસરગ્રસ્ત લોકો પણ તેમાં શામેલ છે.  શનિવારે રાત્રે થયેલ ગેસ ગળતરનો ભોગ બનેલા મજૂરો પણ બનાવને સમર્થન આપે છે. ફરિયાદી અલ્કેશભાઇની ફેક્ટરીમાં ટાંકી લીકેજ અંગે ખરાઈ કરવા પ્રવેશ વેળા અમોએ પોલીસ-પ્રોટેક્શન પણ માંગેલ જે કોટડા પોલીસમાં નોંધ હોવાનું પણ જણાવ્યું છે ત્યારે હવે ફેક્ટરી સંચાલકે રજૂઆત કરનાર સામે આંગળી ચીંધી છે અને ખંડણી મામલે ફરિયાદ થતા હવે કોણ સાચું અને કોણ ખોટું તે મામલો પણ ગુચવાયો છે. પોલીસે ફેક્ટરી સંચાલકની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.