મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: ઉનાળાની શરૂઆત થતા જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીનો પોકાર શરુ થઇ ગયો છે. એક તરફ પાણી માટે વલખા તો બીજી તરફ પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં હજુ તો ગઈકાલે જ કચ્છના ભચાઉમાં લાખો લીટર પાણી વેડફાટના દ્રશ્યો બાદ આવો જ નજારો આજે ગોંડલ નજીક જોવા મળ્યો હતો.

 ગોંડલ શહેરને નર્મદાનું પાણી પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાવંડથી ગોંડલ સુધીની પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં ગોંડલ તાલુકાના મોવિયા ગામ પાસે નર્મદાના એર વાલ સાથે ધડાકાભેર ટ્રક અથડાતા લાખો લિટર પાણી ખેતરોમાં વેડફાય જવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા નર્મદા લાઈનના લાઇનમેન સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા અને તુરંત સેકન્ડ વાલ્વ અને સેક્સન બંધ કરી રીપેરીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે તંત્ર કાર્યવાહી કરે તે પૂર્વે જ મહામુલા પાણીનો કિંમતી જથ્થો વેડફાઈ જવા પામ્યો હતો. મોવિયા પાસે ટ્રક ચાલક દ્વારા બેફિકરાઈ દાખવી અકસ્માત સર્જી એર વાલ પાઇપ અને રાયઝર પાઇપને નુકસાન પહોંચાડતા પાણી પુરવઠા બોર્ડના અધિકારી તેરૈયા સહિતનાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક યુદ્ધના ધોરણે રિપેરીંગ કામ હાથ ધર્યું હતું અને ટ્રકચાલકને નુકસાનની ભરપાઈ કરવા તાકીદ કરી હતી સાથે પોલીસ કેસ કરવા પણ જણાવ્યું હતું. આ અકસ્માતમાં આશરે પાંચ લાખ લીટર જેવું પાણી વેડફાયું હોય તેનું પણ ભરણુ ટ્રકચાલકે ભરવું પડશે તેવું જણાવ્યું હતું.