મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા રાજ્યમાં દારુ અને જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવાનો આદેશ અપાયો છે ત્યારે ગોંડલના એક ASIને જુગારના કેસમાં આરોપી પાસેથી 33 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ પોલીસે ગત 13 જૂનનાં રોજ ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે જુગાર રમતા 11 લોકોને ઝડપી લીધા હતા. જેમાં એક આરોપીને જુગારના કેસમાં માર નહીં મારવા તથા લોકઅપમાં નહીં રાખવા માટે વાસાવડ આઉટ પોસ્ટ, ગોડલ પોલીસ સ્ટેશનનાં ASI દીલીપભાઇ અરુણભાઇ પાનસેરીયા 80 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે 73 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું થયુ હતું. જેથી જુગારના કેસના આરોપીએ 15 જૂનના રોજ 40 હજાર રૂપિયા આપ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા બીજા દિવસે આપવાનું કહ્યું હતું. જુગાર કેસના આરોપી આ લાંચ આપવા માગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી દ્વારા છટકું ગોઠવી 33 હજારની લાંચ લેતા ASI પાનસેરીયાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જ ઝડપી લીધા હતા.

આ ટ્રેપ એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યના પીઆઇ એન.કે. વ્યાસ તથા તેમની ટીમ અને ટ્રેપનું સુપરવિઝન એસીબી રાજકોટ એકમના અધિકારી એચ.પી. દોશીએ કર્યું હતું.