મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: ગોંડલના આર્ટિસ્ટ દ્વારા ભારતભરમાં વિવિધ ક્ષેત્રે પેઇન્ટિંગ કરી ગોંડલને ગૌરવ અપાવવામાં આવ્યું છે ત્યારે સાત સમંદર પાર ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન આર્ટ ફેસ્ટિવલમાં પણ મુનીર બુખારીના પેઇન્ટિંગે સર્વે ના મન મોહી લીધા છે.

ભારતમાંથી એકમાત્ર આર્ટિસ્ટ મુનીર બુખારીની કલા મેલબોર્ન ખાતે ઇન્ડિયન આર્ટ ફેસ્ટિવલમાં રજૂ થઈ છે. ઓસ્ટ્રેલિયા સરકારે અલગ-અલગ દેશમાંથી આમંત્રિત ચિત્રકારો સાથે ગુજરાતના ગોંડલ શહેરના ચિત્રકાર મુનીર બુખારીના વોલ પેઈન્ટિંગે ઇન્ડિયન આર્ટ ફેસ્ટિવલમાં આકર્ષણ ઉભું કર્યું છે.

ગોંડલના અનોખા કલાકારને ચિત્રકલામાં બાળપણથી જ રૂચી હતી. પારિવારિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને અભ્યાસ ફક્ત નવ ધોરણ સુધી જ થઈ શક્યો હતો. પિતા સાથે તૈયાર કપડા વેચવાની લારી ઉપરનો વ્યવસાય સંભાળવો પડ્યો હતો. કાગળ અને પેન સાથેની લાગણી હતી પણ ખંતપૂર્વક પિતા સાથે કામ કર્યું હતું. પરંતુ હૃદય કલાકાર નું હતું તેથી કોઈ ચિત્રકાર પેન્ટિંગ કરતો હોય તો જોવા માટે કલાકો સુધી બેસી રહે, જેને લઈ ઘણી વખત પિતાનો ઠપકો પણ સહન કરવો પડ્યો હતો.

અનોખી માટીમાંથી બનેલા આ કલાકારે ખૂબ જ સંઘર્ષ કરીને કલાને દેશ-વિદેશમાં ફેલાવી છે. શરૂઆતમાં ઓટો રિક્ષાની પાછળ લખાતા લખાણો તેમજ સાઇકલના લટકણિયા ઉપર પેન્ટિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવવું પડ્યું હતું. પરંતુ વિધિના લેખ તો કંઈક જુદા જ લખાયેલા હતા. પ્રખ્યાત ચિત્રકારોની સાથે કામ કરવાની તક ચિત્રકાર પ્રભાતસિંહ જાડેજા ના સંપર્કમાં આવ્યા ત્યારથી મળી એમ કહી શકાય કે કલા સોળે કલાએ ખીલી વોલ પેઈન્ટિંગ શરૂ કર્યા. દિલ્હી સ્ટ્રીટ આર્ટના હનીફ કુરેશીના મનમાં મુનીર બુખારીની કલા છવાઈ ગઈ અને મુંબઈનું આમંત્રણ મળ્યું. મુંબઈ ખાતે ભારતનો સૌથી મોટુ 123 x152 ફૂટ ઓગણીસો સ્ક્વેર ફીટનું વોલ પેઇન્ટિંગ દાદાસાહેબ ફાળકેની શ્રદ્ધાંજલિ રૂપે તૈયાર થયું, તેનું લોકાર્પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના હસ્તે થયું હતું અને મુનિર બુખારીને ત્યાં સન્માન પણ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ તો જાણે વોલ પેઈન્ટિંગની વણઝાર લાગી હતી.

મુનીર બુખારી દ્વારા ઓસ્ટ્રેલિયા ખાતે છ જેટલા કન્ટેનરો ઉપર મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, મહાનાયક અમિતાભ બચ્ચન, આઝાદ મેદાન સિમ્બોલ તેમજ દિલ્હી લેન્ડ સિમ્બોલ સહિતના પેન્ટિંગ કરાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.