મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: શહેરમાં પક્ષીઓને બચાવવા માટે પક્ષીપ્રેમી ગ્રુપ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વોરાકોટડા રોડ પરની સબજેલ પાસે ઝેરી ચણ ચણવાથી 25 જેટલા કબૂતરના મોત નિપજ્યા હતા. જેને લઈને પક્ષીપ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી હતી. જો કે 6 કબૂતરોની હાલત ગંભીર હોઈ હોય પક્ષીપ્રેમી ગ્રુપના સેવાભાવી સભ્યોએ એન્ટીબાયોટીક દવા અને ટ્યુબ લગાવી સારવાર શરૂ કરી છે. તેમજ મોતને ભેટેલા તમામ કબૂતરોની દફનવિધિ પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવનાર છે.

શહેરના વૉરા કોટડા રોડ પર સબજેલની બાજુમા 25 કબૂતરોના ઝેરી ચણ ચણવાથી મોત નિપજયા હતા. ઘટનાને પગલે પક્ષીપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જો કે 6 કબૂતરોને ઝેરી ચણ ચણવાથી ચાંચ પાસે ગાંઠો થઈ છે. જેને લઈને આ કબૂતરોની આંખો પણ ખુલી શકતી નથી અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ગંભીર હાલતમાં રહેલા 4 કબૂતરોને રોહિતભાઈ સોજીત્રા જ્યારે 2 કબૂતરોને હિતેશભાઈ દવેના ઘરે એન્ટિબાયોટિક દવા અને ટ્યુબ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

હાલ વાર્ષિક ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે. ત્યારે કેટલાક લોકો દ્વારા કોઠીમાં વધેલા દવાવાળા ઘઉંનો નિકાલ કરવામાં આવ્યો હોય અને આવા ઘઉં ચણવાથી કબૂતરોની આ દશા થઈ હોવાનું અનુમાન પક્ષીપ્રેમી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો આવી ભૂલ ન કરે તેવી અપીલ સાથે આ ગ્રુપ દ્વારા મોતને ભેટેલાં તમામ કબૂતરોની દફનવિધિ કરવામાં આવનાર છે.