ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : એક મોટા ખેલાડીએ સોમવારે અમેરિકન કોમેક્સમાં ખૂબ મોટા કહેવાય તેવા બે સોદામાં વેચાણ કરતાં ભાવ ઊંચેકાંધ પડ્યા હતા. આ ખેલાડી ૧.૨૫ અબજ ડોલરના એક એવા બે સોદા મૂકીને ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૮૪૩ ડોલરથી ૫૧ ડોલર તોડીને ૧૭૯૨ ડોલરના તળિયે મુકાવી દીધા હતા. જે મંગળવારે ૧૭૯૬ ડોલર આસપાસ હતા. અલબત્ત, કોમેક્સ વાયદામાં આ બંને સોદા માત્ર એક જ મિનિટના ગાળામાં ઠાલવી દેવાયા હતા. બરાબર આ જ સમયે એસએન્ડપી વાયદામાં ગોલ્ડ કોમેક્સ કરતાં ૫૦૦ ટકા ઓછા ૧૫૦૦ લાખ ડોલરના સોદા નોંધાયા હતા. સિલ્વર કોમેક્સ પર બરાબર આ જ સમય દરમિયાન ૧૭૦૦ લાખ ડોલરના ૧૫૦૦ કોન્ટ્રેક્ટ (પ્રત્યેક ૫૦૦૦ ઔંસ) ચાંદી  વેચવામાં આવી હતી. પરિણામે ભાવ સોમવારના ૨૪.૯૬ ડોલરથી તૂટીને આજે ૨૩.૭૬ ડોલર સુધી નીચે ઉતાર્યા હતા. 

સોમવારે સોનાના ભાવ બે ટકા કરતાં વધુ ઘટવાનું બીજું કારણ અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને બીજી ટર્મ માટે નૉમિનેટેડ કરવામાં આવ્યા પરિણામે ડોલર વધુ પડતો મજબૂત થઈ ગયો તે પણ હતું. આને લીધે બજારમાં એવી હવા ચગી હતી કે, સેન્ટ્રલ બેંક અમેરિકન અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખશે. 

Advertisement


 

 

 

 

 

જાગતિક બજારમાંથી મળેલા સમાચારને આધારે મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (એમસીએક્સ) પર ૩ ડિસેમ્બરે કટમાં જનારો રોકડો વાયદો, એક તબક્કે પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૪૭,૯૨૩થી ઘટીને મંગળવારે રૂ. ૪૭,૬૫૮ થયો હતો. ૩ ડિસેમ્બર ડિલિવરી ચાંદી રોકડો વાયદો રૂ. ૬૪,૫૭૧થી ઘટીને રૂ, ૬૩,૩૪૩ પ્રતિ કિલો થયો હતો. ઇંડિયન બુલિયન અને જ્વેલર્સ એસોસિયેશને મંગળવારે સોનાના હાજર ભાવ રૂ. ૪૮૮૩૪થી ઘટાડીને રૂ. ૪૭૮૨૬, જ્યારે ચાંદીના રૂ. ૬૫૮૨૯થી ઘટાડીને રૂ. ૬૩૭૮૧ ક્વોટ કર્યા હતા.    

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)