મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરાઃ ગોધરાના 4 યુવકો કે જે લાપતા હતા તેમની લાશ મેંદરડા માર્ગ પરના એક તળાવમાંથી મલી હતી. કાર અકસ્માતે તેમાં પડી જતાં ચારેય યુવકોના મોત નિપજ્યા હતા. તેમની આજે અંતિમવિધી થઈ હતી. પરિવારજનો તો આ આકસ્મીક બનાવને પગલે શોકમાં છે જ પરંતુ સ્થાનીકો અને પાટીદાર સમાજ પણ ગમગીન થઈ ગયો છે. ચારેય જુવાનજોધ યુવકોના મોતથી ગામમાં એક શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ગોધરાના રામપુર ગામે રહેતા જીગર પટેલ, મોહિત પટેલ, મૌલીન પટેલ અને આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો પિનાકીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળ્યા હતા. યુવાનો કાર સાથે મેંદરડા માર્ગ પરના ખળપીપળા નજીક તળાવમાં કાર ખાબક્યા હતા. બીજી બાજુ દિવસો વિત્યા છતાં યુવકોના કોઈ સમાચાર ન મળતાં પરિવાર સહિતના લોકો ચિંતાતુર હતા. દરમિયાન શોધખોળ કરતાં ગાડી અને યુવકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. આજે વહેલી સવારે ગોધરાના રામપુર ખાતે તેમના મૃતદેહ લવાયા હતા જ્યાં તેમની અંતિમવિધી કરાઈ હતી.

મૃતકો પૈકી એક યુવાનની પત્ની હાલ ઘૂસિયા પોતાને પિયેર ડિલીવરી માટે આવી છે. આથી તેને મળવા વિરપુરથી સોમનાથ જતા પહેલાં ચારેય ઘૂસિયા જવા માંગતા હતા. આથી તેઓએ જૂનાગઢથી નેશનલ હાઇવે પર સોમનાથ જવાને બદલે વાયા મેંદરડાથી જતો માર્ગ પસંદ કર્યો હતો. 4.20 વાગે મોબાઇલ દ્વારા ઘરે વીરપુરના દર્શન કર્યાનું જણાવીને બાદમાં સોમનાય મંદિરે દર્શન કરવા જઇએ છીએ તેમ કહ્યું હતું. 4 યુવાનો ઇક્કો કારમાં સોમનાથ જવા નીકળતાં મેંદરડા પાસેથી 4 યુવાનો સંપર્ક વિહોણા થયા હતા. ફોન કરતાં 4ના મોબાઇલ સ્વીચ ઓફ આવતાં તેઓને શંકા જતાં તપાસ હાથ ધરી હતી. રામપુર રહેતાં ચાર મૃતક યુવકોના માતા પિતા અને બે મૃતકોની પત્નીઓને યુવકોના મોતની જાણ કરવામાં આવી ન હતી. રામપુરથી આશરે 100 જણાં 4 યુવકોને શોધવા ગાડીઓ લઇને જુનાગઢ પહોંચ્યાં હોવાથી ગામ સુમસામ બન્યું હતું. આજે જ્યારે અહીં યુવકોની અંતિમવિધિ થઈ છે ત્યારે પાટીદાર સમાજ સહિત સમસ્થ ગામ હિબકે ચઢ્યું છે.