મેરાન્યૂઝ નેટવર્ક, દુબઇ: ભારતમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓ હજારો કરોડના કૌભાંડ કરી વિદેશ ભાગી ગયા છે ત્યારે દુબઇમાં 1305 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર બે ભારતીયોને 500 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

દુબઇ કોર્ટે ગત રવિવારે 2 ભારતીયને 200 મિલિયન ડોલર એટલે કે 1305 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવા મામલે 500 વર્ષથી વધુની સજા સંભળાવી છે. ભારતના ગોવાના રહેવાસી સિડની લિમોસ અને તેના સિનિયર એકાઉન્ટન્ટ રિયાન ડિસૂઝા દુનિયાના મોટા ફૂટબોલ ખેલાડીઓ સહિત ભારતના સચિન તેંડુલકર અને બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને અભિષેક બચ્ચન સુધીના લોકો સાથે ઓળખ ધરાવે છે.

લિમોસ અને રિયાને મળીને દુબઇમાં એક પોંઝી સ્કિમ હેઠળ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કીમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે તેની કંપનીમાં જે કોઈ વ્યક્તિ 25 હજાર ડોલરનુ રોકાણ કરશે તેને વાર્ષિક 120 ટકા રિટર્ન આપવામાં આવશે. શરુઆતમાં લિમોસની કંપનીએ રોકાણકારોને ખૂબ ફાયદો પહોંચાડ્યો પરંતુ વર્ષ 2016માં પોંઝી સ્કિમનું પતન થયા બાદ આ કંપનીએ રોકારણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધુ. માર્ચ 2016માં પોંઝી સ્કિમ બંધ થતાં દુબઇ ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીની ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. આ મામલે લિમોસની પત્ની વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાંથી ગેરકાયદે ઘુસીને દસ્તાવેજ ચોરવાનો આક્ષેપ છે.

ગોવાના મપૂસાના રહેવાસી સિડની લિમોસની ડિસેમ્બર 2016માં ધરપકડ કરવામાં આવી હતી. જ્યાર બાદ તે જામીન પર મુક્ત થયો હતો અને જાન્યુઆરી 2017માં ફરી વખત તેની ધરપકડ કરી લેવાઇ હતી. લિમોસના સિનિયર એકાઉન્ટન્ટ રિયાન ડિસૂઝાની પણ ફેબ્રુઆરી 2017માં દુબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. રિયાન ડિસૂઝા દુબઇથી ભાગી ભારત આવવા માગતો હતો. જો કે આ દરમિયાન લિમોસની પત્ની બચી નિકળી છે અને તે ફરાર છે.     

અત્રે ઉલ્લેખનીય છે કે સિડની લિમોસ વર્ષ 2015માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની કંપની એફસી પ્રાઇમ માર્કેટ્સ ઇન્ડિયન સુપર લીગમાં ગોવા ફ્રેંચાઇઝીની એફસી ગોવાની સ્પેન્સર બની હતી. જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી લઇને અભિષેક બચ્ચન અને રણબીર કપૂર પણ સામેલ હતા.