મેરાન્યૂઝ નેટવર્ક.પણજીઃ ગોવાના ચોથી વખતના મુખ્યમંત્રી બનેલા ભાજપના દિગ્ગજ નેતા મનોહર પારિકર રવિવારે સાંજે અવસાન પામ્યા હતા. સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે અને આજે સાંજે ૫ વાગ્યે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થવાના છે. પારિકરને કેન્સરની જાગણ ગત ફેબ્રુઆરી માસમાં થઈ હતી તે પછી તેમણે ગોવા, મંબઈ, ન્યૂયોર્ક, દિલ્હીમાં તેમણે સારવાર કરાવી હતી.

આજે તેમના દેહને સવારે ૯.૩૦થી ૧૦.૩૦ સુધી પણજી ખાતે આવેલા ભાજપના કાર્યાલયમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો જ્યાં તેમને શ્રદ્ધાંજલી પાઠવવા નેતાઓ કાર્યકરોનું મોટું ટોળું ઉમટી પડ્યું હતું. તે પછી તેમના દેહને કલા એકેડેમી ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સાંજે ૪ વાગ્યા સુધી સામાન્ય જનતા તેમને શ્રદ્ધાંજલી અર્પી શકશે.

63 વર્ષના પારિકર ઘણા લાંબા સમયથી સ્વાદુપિંડનાં કેન્સરથી પીડાતા હતા. સાદગી અને સમર્પણની મિસાલ પારિકર ગોવા જ નહીં, દેશભરના પક્ષ-વિપક્ષના નેતાઓ, સામાજિક અગ્રણીઓમાં તેઓ લોકપ્રિય હતા. ભાજપને ગોવાનાં નકશા પર લાવવામાં તેમનો સિંહફાળો છે.

કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ બીજેપીના નેતૃત્વએ નવા સીએમની ચહેરો શોધવાની કવાયત હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રવિવારે રાત્રે 12.30 વાગ્યે રાજ્યમાં સરકાર બનાવવાની સંભાવના પર વાતચીત માટે ગોવા પહોંચી ગયા હતા. પારિકરની જગ્યાએ બીજેપી તરફથી વિશ્વજીત રાણે અને પ્રમોદ સાવંતના નામ આગળ ધરવામાં આવ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીના સાથી દળો મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી), ગોવા ફોરવર્ડ પાર્ટી અને અપક્ષ ધારાસભ્યો વચ્ચે આ નામને લઈને એકમત નથી થયો.

આજીવન ભ્રષ્ટાચારનો આરોપ નહીં

2004ના ફિલ્મ ફેસ્ટિવલમાં પારિકર પરસેવાથી લથપથ થઈ પોલીસવાળા સાથે આયોજન સ્થળે ટ્રાફિક કંટ્રોલ કરી રહ્યા હતા તેનાથી મહેમાનો પણ ચોંકી ગયા હતા. તેઓ ગોવાના રસ્તા પર સ્કૂટર ચલાવતા અને કોઈ સિક્યુરિટી વિના સાધારણ ટી-સ્ટોલમાં ચા પીતા તેમને જોઈ શકાતા. તેમના પર આજીવન ભ્રષ્ટાચારના આરોપ મુકાયા નહીં. 2000માં સીએમ બન્યા, પરંતુ મોંઘી ગાડીઓ છોડી સ્કૂટરથી જ વિધાનસભા આવતા. ઈકોનોમી ક્લાસમાં જ પ્રવાસ કરતા હતા.

13 ડિસેમ્બર 1955ના રોજ ગોવાના માપુસામાં જન્મેલા પારિકર પહેલા એવા મુખ્યમંત્રી હતા જે આઈઆઈટી પાસ આઉટ હતા. જે ચાર વાર 2000-02, 2002-05, 2012-14 અને 14 માર્ચ 2017-17 માર્ચ 2019 સુધી ચાર વાર ગોવાના મુખ્યમંત્રી રહ્યા હતા. પારિકરે 2014થી 2017 સુધી રક્ષામંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના જ કાર્યકાળમાં ભારતીય સેનાએ પીઓકેમાં રહેલા આતંકી ઠેકાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પારિકરના રક્ષામંત્રી રહેતા જ વન રેન્ક વન પેન્શન સ્કીમ લાગુ કરાઈ હતી. 

તેમના પત્ની મેઘાનું 2001માં કેન્સરના કારણે નિધન થયું હતું. તેમના બે દિકરા ઉત્પલ અને અભિજાત છે. ઉત્પલે અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે જ્યારે અભિજાત બિઝનેસમેન છે.