મેરાન્યૂઝ નેટવર્ક, ગોવા: ગોવા રાજ્યના મુખ્યમંત્રી મનોહર પરિકરની નાદુરસ્ત તબિયતના કારણે એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં વિધાનસભા ભંગની ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસ ધ્વારા ગોવામાં સરકાર રચવાનો દાવો કરવામાં આવતા રાજકીય રીતે ભારે હલચલ મચી ગઈ છે.

ગોવામાં નાદુરસ્ત મુખ્યમંત્રી મનોહર પરિકરે જ કરેલી વિનંતીને ધ્યાનમાં લઈ ભાજપ ધ્વારા ગોવાના સીએમ તરીકે અન્ય કોઈની પસંદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.તો બીજીતરફ ગોવામાં કદાચ વિધાનસભા ભંગ કરી આગામી લોકસભાની સાથે અથવા તે પહેલા જ વિધાનસભાની ચુંટણી યોજાવાની રાજકીય ચર્ચાએ ભારે ગરમાવો પેદા કર્યો છે. ત્યારે ગોવામાં સૌથી મોટા પક્ષ કોંગ્રેસ ધ્વારા સરકાર બનાવવા માટે દાવો કરી રાજકીય હલચલ પેદા કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો આજે મોરચો લઈને રાજ્યપાલ ભવન ખાતે રાજ્યપાલ મૃદુલા સિન્હાને મળવા ગયા હતા. પરંતુ રાજ્યપાલ હાજર નહિ હોવાથી તેઓ આવતીકાલે પણજીમાં હશે ત્યારે કોંગ્રેસી નેતાઓ રાજ્યપાલને મળી કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવા માંગ કરશે. જો કે કોંગ્રેસે રાજભવનમાં આવેદન પત્ર આપી સરકાર બનાવવાનો દાવો કરવા સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા સી. કાવલેકરે જણાવ્યું છે કે, અત્યારે ગોવામાં સરકાર નહિ હોવા બરાબર જેવી સ્થિતિ છે. આ અગાઉ કોંગ્રેસ પક્ષની મળેલી પ્રદેશ સ્તરની બેઠકમાં બે ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, ગોવા વિધાનસભામાં ૧૭ બેઠકો સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવાથી તેને સરકાર બનાવવા માટે પહેલા આમંત્રણ આપવું જોઈએ. જયારે રાજ્યપાલને અધિકાર નહિ હોવાથી ગોવા સરકારનું વિસર્જન કરવું ના જોઈએ. તો બીજીતરફ નવા સીએમની પસંદગી માટે ભાજપના કોર ગ્રુપની પણ આજે બેઠક યોજાઈ હતી. ગોવા વિધાનસભામાં ૪૦ ધારાસભ્યોના સંખ્યાબળમાં અત્યારે શાસન કરી રહેલા ભાજપના ૧૪, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ૩ તથા ગોવા ફોરવર્ડ પાર્ટીના ૩ ધારાસભ્યો છે. તેમને ૩ અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન છે. જયારે કોંગ્રેસના ૧૬ અને ૧ એનસીપી સહીત ૧૭ ધારાસભ્યો છે.