મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગોવામાં વિરોધ પક્ષ કોંગ્રેસ કરતા બે ધારસભ્યો ઓછા હોવા છતાં ફરી એકવાર લઘુમતીમાં રહેલા ભાજપના ધારાસભ્ય પ્રમોદ સાવંતે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજકારણમાં નીતિમત્તા સાથે નૈતિક મુલ્યોનું ચીરહરણ કરતા ગોવાની ભાજપ સરકારે મધરાત પછી બે વાગે શપથ સમારોહ યોજી ૧૨ પૈકી ૯   ધારસભ્યોને મંત્રી બનવી દીધા છે. જયારે આ સરકારને સમર્થન આપી રહેલા મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના સુદિન ધાવલીકર તેમજ ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઇને ડેપ્યુટી સીએમ બનાવી કુલ ૧૧નું મંત્રીમંડળ બનાવી દીધું છે. અન્ય રાજકીય પક્ષોથી અલગ હોવાની વાતો કરતા ભાજપ દ્વારા ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના અંતિમ સંસ્કાર બાદ માત્ર એક કલાકમાં જ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં જ નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લઇ જાણે પરીકરની શિસ્ત અને સાદગીની મજાક ઉડાવી હતી.

ગોવામાં મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ ગણતરીના કલાકોમાં જ નવા મંત્રીમંડળની રચના કરી દેવામાં આવી છે. જેમાં સૌથી મોટા પક્ષ કોંગ્રેસ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં બે વખત રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાના કરાયેલા દાવાના કારણે મધરાત પછી બે વાગે શપથ લઇ ભાજપ દ્વારા અન્ય રાજકીય પક્ષો કરતા પોતે અલગ હોવાનું પુરવાર કરી દીધું છે.

આ અગાઉ પણ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ સૌથી મોટા કોંગ્રેસ પક્ષના બદલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી મોદી સરકારે તેમના રક્ષા મંત્રીને ગોવામાં સીએમ બનવા મોકલી દીધા હતા. હવે પરિકરના નિધનથી ફરી રાજ્કીય સંકટમાં મુકાયેલા ભાજપ દ્વારા તમામ નૈતિક મુલ્યોનો ડૂચોવાળી સર્જિકલ સ્ટ્રાઈકની જેમ રાત્રે બે વાગે શપથવિધિ સમારોહ યોજી દીધો હતો. જેમાં મનોહર પરિકરના અંતિમ સંસ્કારના એક કલાકમાં જ ધારાસભ્ય દળની બેઠલ યોજી નવા મુખ્યમંત્રી તરીકે ડો.પ્રમોદ સાવંતની પસંદગી કરવામાં આવી હતી.

આયુર્વેદિક ચિકિત્સક ડો.પ્રમોદ સાવંત સેનક્કવિલમ બેઠકના ધારાસભ્ય છે. ૩.૬૬ કરોડની સંપતિ ધરાવતા સાવંત મનોહર પરિકરના નજીકના મનાય છે પરંતુ સાદગી નહિ ધરાવતા સાવંત પાસે પાંચ કાર પણ છે. ૪૦ ધારાસબ્યો ધરાવતી ગોવા વિધાનસભામાં અત્યારે ૩૬ સભ્ય છે. પરિકરના પહેલા ભાજપના ધારાસભ્ય ફ્રાન્સીસ ડિસોઝાનું અવસાન થયું છે. જયારે ગયા વર્ષે કોંગ્રેસના બે ધારસભ્યએ રાજીનામાં આપ્યા હતા. ગોવામાં કોંગ્રેસના ૧૪, ભાજપના ૧૨, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ૩, ગોવા ફોરવર્ડ પાર્ટીના ૩, અપક્ષ ૩, એનસીપીના ૧ અને અન્ય ૧ ધારાસભ્ય છે. લોકસભાની ચૂંટણી ની સાથે ગોવા વિધાનસભાની ત્રણ બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાનાર છે. જો કે, નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે વિશ્વાસનો મત આ ચૂંટણી પહેલા લેવાનો કે પછી તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.