મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની હત્યાના શકમંદોની હિટ લિસ્ટમાં ફિલ્મો અને નાટકોના પ્રખ્યાત હસ્તી ગિરીશ કર્નાડ સહિત અનેક સાહિત્યકાર અને સેક્યુલરવાદીઓ નિશાન પર હતા.

ગૌરી લંકેશ હત્યાકાંડની તપાસ કરી રહેલા એસઆઈટીના સૂત્રોએ જણાવ્યું છે કે, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કર્નાડ સિવાય સાહિત્યકાર બીટી લલિતા નાઈક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને તર્કવાદી સીએસ દ્વારકાનાથ સહિતના નામ શકમંદો પાસેથી મળેલી એક ડાયરીમાં હિંદીમાં લખાયેલા મળ્યા છે. સૂત્રોનો દાવો છે કે જેમના નામ લખેલા છે, તેમને નિશાન બનાવવામાં આવે તેવી આશંકા હતી. આ લોકો કટ્ટરપંથી હિંદુત્વ વિરુદ્ધ સખત દૃષ્ટિકોણ રાખે છે. એસઆઈટીએ કહ્યું છે કે, કર્ણાટકના વિજયપુરા જિલ્લાના સિંધાગીથી ૨૬ વર્ષના પરશુરામ વાઘમોરેની ધરપકડ કરવામાં આવી હતી. એવી અટકળો કરવામાં આવી રહી છે કે, વાઘમોરે ગૌરીનો હત્યારો હોઈ શકે છે. કેમ કે, ગૌરીની હત્યા પછી તેના ઘરેથી મળેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિનો શારીરીક આકાર એકસરખો મળતો આવે છે. કહેવાય છે કે, વાઘમોરેના સંબંધો હિંદુ દક્ષિણપંથી સંગઠનો સાથે છે.

એસઆઈટીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે વાઘમોરેને અધિક મુખ્ય મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા વધુ પૂછપરછ માટે આ આરોપીને ૧૪ દિવસના રિમાન્ડમાં એસઆઈટીને સોપવામાં આવ્યો છે. એસઆઈટી પ્રમુખ અને પોલીસ મહનિરિક્ષક બી.કે.સિંહે જણાવ્યું છે કે, હજુ સુધી તપાસમાં એવી કોઈ વાત સામે આવી નથી કે, લંકેશને ગોળી વાઘમોરેએ જ મારી હોવાના સંકેત મળે. આ ગૌરી લંકેશ હત્યાકાંડમાં વાઘમોરે છઠ્ઠો શકમંદ આરોપી પકડાયો છે. ૫,સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ઘર પાસે જ ગૌરી લંકેશને ગોળી મારવામાં આવી હતી. તે પોતાની કાર પાર્ક કરવા ઘરનો દરવાજો ખોલી રહી હતી ત્યારે રાત્રે ૮ વાગે બાઈકસવાર લોકોએ તેની ગોળી મારી હત્યા કરી દીધી હતી. એસઆઈટીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ ષડ્યંત્રમાં વાઘમોરેની ભૂમિકા અને અન્ય માહિતી અત્યારે જાહેર નહિ કરાય કારણ કે. તે તપાસને અસર કરી શકે તેમ છે. એસઆઈટી ધ્વારા આ કેસમાં આ પહેલા કેટી નવીન ઉર્ફે હોતે માંજા, અમોલ કાલે, મનોહર દવે, સુજીતકુમાર ઉર્ફે પ્રવીણ અને અમિત દેગવેકરની ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીરામ સેનેના અધ્યક્ષ પ્રમોદ મુથાલિક સાથે ઝડપાયેલા શકમંદ પરશુરામ વાઘમોરેની તસવીર પણ વાયરલ થઇ છે. જો કે આ અંગે મુથાલિકે કહ્યું છે કે શકમંદ સાથેની તસવીર વિશે મને કોઈ જાણકારી નથી. દરરોજ ઘણા લોકો મને મળે છે અને મારી સાથે ફોટો પડાવે છે. તેથી તેની સાથે મારે કોઈ કનેક્શન સાબિત થતુ નથી.