મેરાન્યૂઝ નેટવર્ક.ગીર-સોમનાથ: ગીરના જંગલના એશિયાટિક સિંહો દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ વન વિભાગ તેની જાળવણી રાખવામાં ઉણુ ઉતર્યું હોય તેમ જંગલમાં પણ અવારનવાર સિંહોની પજવણી કરવામાં આવે છે. આ અંગેના અનેક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા છતાં સિંહોની હેરાનગતિ રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી. ત્યારે આજે વિશ્વ સિંહ દિવસે જ સિંહો યુગલની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહ યુગલ જંગલમાં આરામ કરી રહ્યું છે. ત્યારે એક શખ્સ મોબાઇલમાં વીડિયો ઉતારી સિંહ યુગલને ખદેડી રહ્યો છે. જેને લઈને ગુસ્સે ભરાયેલો સિંહ તેની સામે દહાડતો નજરે પડે છે. જો કે આખરે સિંહ યુગલ આ શખ્સની હરકતથી કંટાળી ઘેડ જંગલ તરફ જતું રહે છે. જો કે સમયાંતરે સિંહોની પજવણીના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આવી પજવણીને રોકવાનો પ્રયાસ સુધ્ધા કરાતો નથી. ત્યારે વિશ્વ સિંહ દિવસે થયેલી સિંહ યુગલની પજવણીનો વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ કોઈ પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું.