મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે મંગળવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સાર્વજનિક ક્ષેત્રના સૌથી નોન પરફોર્મિંગ એસેટ (NPA) બાકીદાર ગણાવ્યા હતા. સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે વડાપ્રધાન મોદીના નજીકના માનવામાં આવતા અદાણીની જવાબદારી નક્કી થવી જોઈએ નહીં તો હું લોન વસુલી માટે અદાણી વિરૂદ્ધ અદાલતમાં એક જનહિત અપીલ દાખલ કરીશ.

સ્વામીએ ટ્વિટમાં કહ્યું હતું કે સાર્વજનિક ક્ષેત્રમાં સૌથી મોટા એનપીએ બાકીદાર ગૌતમ અદાણી છે. સમય આવી ગયો છે કે આ માટે તેમની જવાબદારી નક્કી કરવામાં આવે નહીં તો જનહિત અપીલ કરવામાં આવશે. અદાણીની કંપનીઓ પર હજારો કરોડ રૂપિયાની બેંક લોન બાકી હોવાનો આરોપ છે. જેમાં વીજળી એકમો અને વિતરણ, રિયલ એસ્ટેટ અને અન્ય વસ્તુઓ સામેલ છે. સ્વામીએ કહ્યું કે ઘણી એવી બાબતો છે  જેમાં અદાણી વિરૂદ્ધ કશું થયુ નથી અને ના તો કોઈ સવાલ કરી રહ્યું છે. સરકાર માટે એ શરમજનક બની શકે છે કારણ કે અદાણી સરકારના ઘણી નજીકના માનવામાં આવે છે. સરકારે અદાણી પાસેથી તેની કંપનીઓની સ્થિતિ અંગેનો રિપોર્ટ માગવો જોઈએ સાથે જ સુચીબદ્ધ એનપીએ, કોલસા આયાત અને ઓસ્ટ્રેલિયામાં તેમના વ્યવસાય સાથે જોડાયેલા વિવાદો પર પણ સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.

બ્લૂમબર્ગના આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર 2017 સુધી અદાણી પાવર પર કુલ 47609.43 કરોડ, અદાણી ટ્રાંસમિશન પર 8356.07 કરોડ, અદાણી એન્ટ પર 22424. 44 કરોડ અને અદાણી પોર્ટ્સ પર 20791. 15 કરોડ રૂપિયાનું દેવુ હતું.

ફોર્બ્સના જણાવ્યા અનુસાર 2017માં અદાણી અને તેમના પરિવારની કુલ અનુમાનિત સંપત્તિ 11 અબજ ડોલર હતી. તેની સાથે જ તેઓ ભારતના સૌથી ધનવાન લોકોની યાદીમાં દસમા સ્થાને હતા.