પ્રશાંત દયાળ.અમદાવાદઃ વર્ષ 2002માં ખુબ મોટા કોમી તોફાન થયા, તોફાન ચાલુ હતા, પોલીસ તમાશો જોતી હતી. કારણ ગાંધીનગરથી કોઈ સૂચના ન્હોતી. સૂચના આવી ત્યારે મોડુ થઈ ગયું હતું, પોલીસ લાચાર થઈ ગઈ હતી. હવે લશ્કર બોલાવવું જોઈએ કે નહીં, તે નિર્ણય લેવામાં ત્રણ દિવસ પસાર થઈ ગયા, જેમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને તરફે મોટી ખુવારી અને જાનમાલનું નુકશાન થયું. એક હજાર કરતા વધુ લોકો મરી ગયા, સ્વભાવીક છે કે આવી ઘટના વખતે જે મુખ્યમંત્રી હોય તેની જ ટીકા અને નિંદા થાય. બસ આ વાતનું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને માઠુ લાગી ગયું. નરેન્દ્ર મોદીની ટીકા કરી તેનો અર્થ તમે ગુજરાતની ટીકા કરી, નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો તેનો અર્થ તમે ગુજરાત વિરોધી છો. નરેન્દ્ર મોદીને દોડવુ હતું અને ઢાળ મળી ગયો, તેમણે 2002માં પણ ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરી હતી.

અરે ભાઈ જે રાજ્યમાં એક હજાર માણસો કઈ ભુકંપમાં ન્હોતા મર્યા, રાજ્ય સરકારની ગુનાહીત બેદરકારીને કારણે મર્યા હતા. જેમાં તમારી ટીકા થઈ અને તમે કઈ વાતનું ગૌરવ લઈ રહ્યા છો, જેમને પણ ટીકા કરી તેમણે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની કરી હતી, ટીકા કરનારે ક્યાં ગુજરાત અથવા ગુજરાતીઓ ખરાબ છે તેવું કહ્યું ન્હોતુ, તો પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતનું અપમાન કહી ગૌરવ યાત્રા કાઢી અને ગુજરાતના ગૌરવની વાત તો બાજુ ઉપર પણ સામે ડીસેમ્બર 2002ની ચૂંટણી આવતી હતી તેના કારણે ગૌરવ યાત્રામાં મુસ્લિમોને ગાળો આપવા સિવાય કોઈ કામ કર્યું ન્હોતુ, આમ પોતાની ઘેટી ફસાય ત્યારે તેમને ગુજરાતનું ગૌરવ યાદ આવી જાય છે.

આવુ ફરી થયું છે વિકાસ ગાંડો થયો છે. તેમાં જેમને પણ મઝા આવે છે તે બધા વિકાસની મઝાક કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધુ કે વિકાસના નામે લોકો હવે તેમની મઝાક કરી રહ્યા છે. જેઓ નરેન્દ્ર મોદીના વિકાસ સાથે સંમત્ત નથી તેઓ વિકાસની મઝાક કરે તે લોકશાહીની એક સ્વભાવીક પ્રક્રિયા છે, પણ વિકાસ ગાંડો થયો તેવા સંદેશમાં ગુજરાતનું અપમાન કેવી રીતે થયું, કોઈએ ગુજરાતને ગાળ આપી નથી. જે વ્યંગ થઈ રહ્યો છે, તે ભાજપ અને નરેન્દ્ર મોદીના શાસન ઉપર થઈ રહ્યો છે. કોઈએ ક્યાંય નરેન્દ્ર મોદી અને ભાજપના નામનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નથી, છતાં છતાં અને છતાં ગુજરાતનું ઘોર અપમાન થયું છે, તેવા મુદ્દે 2002ની જેમ ફરી ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. વાત હવે માત્ર ગુજરાતની પણ રહી નથી.

આપણા ઝુમલા માસ્ટર જેમણે 2014ની ચૂંટણીમાં આપણને કહ્યું હતું કે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવી જશે, તેવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે કરમસદથી યાત્રાનો પ્રારંભ કરતા કહ્યું વિકાસ ગાંડો થયો છે તેવું કહેવાનો અર્થ સરદાર પટેલનું અપમાન છે. અરે ભાઈ તમે તો બહુ ઉતાવળીયા થઈ ગયા હવે ગુજરાતના અપમાન ઉપરથી સરદાર પટેલના અપમાન ઉપર આવી ગયા, વિકાસ ગાંડો થયો છે, તેવા સંદેશામાં મેં ક્યાંય સરદાર પટેલનું નામ અને તસવીર જોઈ નથી. તમે જોઈ હોય તો કહેજો, આમ છતાં ઝુમલા માસ્ટર કહે છે સરદારનું અપમાન થઈ ગયું છે. પ્રજાને પોતાની વાત કહેવાનો અધિકાર છે, તેઓ ભાજપને મત આપે અથવા કોંગ્રેસને તે તેનો અધિકાર છે. પણ ભાજપના હાથમાંથી બાજી સરકતી લાગે ત્યારે તેઓ ગુજરાત અને દેશના અપમાન સાથે આખી ઘટના જોડી દે છે.

ગુજરાત ગૌરવ યાત્રા નિકળે તે પણ સારી વાત છે, પણ ગૌરવ યાત્રામાં ગુજરાતના ગૌરવની વાત કરવાને બદલે માત્ર ગાળો બોલવા સિવાય બીજો કોઈ ધંધો કરવાનો નહીં, હવે કેન્દ્રમાં અને બીજા રાજ્યમાં મુસ્લિમોના મતોની જરૂરી છે, માટે શાહ-મોદી બેલડી એન્ટી મુસ્લિમ મ્યુઝીક વગાડશે નહીં, સત્તા તો આવતી જતી રહે છે. તે લક્ષ્મીની જેમ ચંચળ હોય છે. ઈન્દીરા ગાંધી પણ માનતા હતા, તેઓ જ બ્રહ્માસ્મી છે પણ લોકશાહીમાં બ્રહ્મની ભુમિકામાં તો પ્રજા હોય તો પોષતુ તે મારતુ નિયમ ઈન્દીરાને પણ લાગુ પડયો હતો તે ભાજપને પણ લાગુ પડે છે. ઈન્દીરાને જ્યાં કોઈ ગાળ આપતુ ત્યારે દેશનું અપમાન ન્હોતુ ગણાતુ પણ હવે નરેન્દ્ર મોદીની ટીકાને દેશનું અપમાન અને દેશ વિરોધી પ્રવૃત્તિ માનવામાં આવે છે.