મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચૂનો ચોપડનારા કૌભાંડી નીરવ મોદીની કંપનીમાં ચોરી કરવા ઘૂસેલી મુંબઈની તસ્કર ટોળકી સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને કારણે હાથ લાગી હતી. ચોરી કરે એ પૂર્વે જ આ ટોળકીને પકડી પોલીસને હવાલે કરાઈ હતી. સચિન જીઆઇડીસી પોલીસે ટોળકીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.

પંજાબ નેશલન બેન્કના કૌભાંડી નીરવ મોદીની સચીન સેઈઝમાં આવેલી અને ઈડી દ્વારા સીલ મારવામાં આવેલી ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લિ કંપનીમાં ચોરી કરવા માટે ત્રાટકેલી મુંબઈની ટોળકીને સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડી પોલીસના હવાલે કરી છે.

સચીન જીઆઈડીસી સ્પેશિયલ ઇકોનોમી ઝોન (સેઈઝ) (ડાયમંડ પાર્ક)માં પ્લોટ નં-૧૭થી ૨૦ ઉપર ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લિ કંપની આવેલી છે. શુક્રવારે મોડી રાત્રે આ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. કંપનીના કમ્પાઉન્ડની મુખ્ય રેલિંગ કૂદીને તસ્કરો અંદર ઘૂસી બીજા ગેટનું હેન્ડલ તોડી ચોરી કરે તે પહેલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. તસ્કર ટોળકીને પકડી પાડ્યા બાદ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટોળકીને પોલીસ મથકમાં લઈ જઈ પૂછપરછ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ રણજીત રોહીતદાસ વાઘમારે (ઉ.વ.૩૫.રહે, અંધેરી ઈસ્ટ મહેશ્વરીનગર મુંબઈ), રાજેશ પ્રેમસિંગ ચૌહાણ (ઉ.વ.૩૦.રહે, સુભાષનગર ગંગાચાલ અંધેરી મુંબઈ), અબુબકર ડાયમલ હોક  (ઉ.વ.૨૭.રહે, સુભાષનગર ગંગાચાલ અંધેરી), સંદીપ રાજકુમાર સિંહ (ઉ.વ.૨૫.રહે, સુભાષનગર અંધેરી મુંબઈ) અને સુભાષ દુલાલ અધિકારી (ઉ.વ.૨૫.રહે, સુભાષનગર અંધેરી મુંબઈ) ચોરી કરવા ઘૂસ્યા હતા.

ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ કંપની દેશમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા પીઍનબી કૌભાંડના માસ્ટર માઈન્ડ નીરવ મોદીની કંપની છે અને કંપનીને ફેબ્રુઆરી ૨૦૧૭માં ઈડીના અધિકારી દ્વારા સીલ મારવામાં આવ્યું છે. ત્યારથી આ કંપની બંધ હાલતમાં પડેલી છે. બનાવ અંગે પોલીસે દિનેશ ઈન્દ્રજીત સિંગ (રહે,શાલીગ્રામ હાઈટ્સ વીઆઈપી રોડ અલથાણ)ની ફરિયાદ લઈ ટોળકીની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.