મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, નડિયાદ, ગાંધીનગર અને અમદાવાદ શહેરમાંથી બાઇકની ચોરી કરી સરહદી જિલ્લામાં જ્યાં પોલીસના વાહનો પણ ઓછા જતા હોય એવા વિસ્તારોમાં ચોરીના વાહનો વેચતી કોટડા ગેંગના બે આરોપીઓને સાબરકાંઠા ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી છ જિલ્લાના ત્રીસથી વધુ ટુ વ્હિલર જપ્ત કર્યા છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે.

રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં ચોરીના વાહનો પાંચથી દસ હજાર રૂપિયામાં વેચી નાખતી કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને સાબરકાંઠા ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે. શકિલ રફિક શેખ અને જસવંતસિંહ હડમતસિંહ ચૌહાણ (બંને રહે. કોટડા છાવણી, ઉદેપુર, રાજસ્થાન) આરોપીઓએ સાગરીતો સાથે મળીને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, નડિયાદ, ગાંધીનગર અને અમદાવાદ શહેરમાંથી ત્રીસ કરતા વધુ વાહનોની ચોરી કરી હતી અને પાંચથી દસ હજાર રૂપિયામાં કોઈપણ દસ્તાવેજ વગર સરહદી વિસ્તારોમાં વેચી નાખતા હતા. આ વિસ્તારોમાં પોલીસના મોટા વાહનો પણ જઇ ન શકે તેવી ભૌગોલિક સ્થિતિ હતી. જેથી આ સ્થિતિનો લાભ ઉઠાવીને બાઇક ચોર ગેંગ બાઇક ચોરી કરીને સરહદી જિલ્લાઓમા વેચી નાખતા હતા. સાબરકાંઠા ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ વી. યુ. ગડરિયાની બાતમીને આધારે પોલીસે તપાસ કરતા ચોરીના વાહનો સરહદી જિલ્લાઓમાં વેચતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે આ જિલ્લાઓમાં તપાસ કરતા ચોરીના 30થી વધુ વાહનો મળી આવ્યા છે. જેમાં સૌથી વધુ ટુ વ્હિલર સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠાના છે. જ્યારે અમદાવાદ, નડિયાદ અને ગાંધીનગરના પાંચ વાહનો છે. સાબરકાંઠા ક્રાઇમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે કોટડા ગેંગના બીજા ત્રણ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસે કુલ 5. 70 લાખના વાહનો જપ્ત કર્યા છે જેની તપાસ સાબરકાંઠા ક્રાઇમ બ્રાંચ ચલાવી રહી છે.