મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન માટે જે ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે તેઓ માલામાલ થઈ શકે છે. શહેરી વિસ્તારમાં જેમની જમીનમાંથી બુલેટ ટ્રેન પસાર થશે તે જમીન માલીકને જમીનનો બમણો ભાવ મળશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં જમીન માલિકને ચાર ઘણો ભાવ આપવામાં આવશે.

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું, કે 508 કિલોમીટરના રૂટમાં ગુજરાતના 8 જિલ્લામાંથી ટ્રેન પસાર થયા છે આ રૂટના 196 ગામની જમીન સંપાદન કરવી પડે, જે પૈકી 175 ગામની પ્રક્રિયા પુરી થઈ છે. જ્યારે 22 ગામના ખેડૂતોને વાંધો છે પણ તેમનો વાંધો ભાવને લઈને છે.

તેમણે જણાવ્યું કે, ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતને કહ્યું કે, તેમને અન્યાય થશે નહીં. ભારત સરકારે નક્કી કર્યા પ્રમાણે તેમની જમીનના બજાર ભાવ અને જંત્રીના ભાવ કરતા જે વધુ હશે તેના બમણા અને ચાર ઘણા ભાવ આપવામાં આવશે અને જે ખેડૂત સહમત થશે અને કોર્ટમાં જશે નહીં તેવું લખાણ આપશે તેમને 25 ટકા વધુ રકમ આપવામાં આવશે.

એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, જેમને વાંધો છે તેવા ખેડૂતની દલીલ છે કે તેઓ ગ્રામીણ વિસ્તારમાં હોવા છતાં અર્બન ઓથોરિટીમાં આવતા હોવાને કારણે નુકસાન થઈ રહ્યું છે, પણ સરકાર તેનો રસ્તો  કરશે, કોઈને અન્યાય થશે નહીં.