મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આવેલ ચિલોડા (નાના) ગામમાં જ આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થાની હાલત અત્યંત બિસ્માર છે. જ્યાં પીવાના શુદ્ધ પાણીની, સ્કૂલના મકાનની અને આરોગ્ય પેટા કેન્દ્રની હાલત અત્યંત કફોડી સ્થિતિમાં છે. જેમાં ગામના દર્દીઓ સહીત આરોગ્ય કર્મચારીઓ મોતના ભયનો સામનો કરી રહ્યા છે.

આરોગ્ય પેટા કેન્દ્ર ચિલોડા (નાના) ના આરોગ્ય કર્મીઓના કહેવા પ્રમાણે સંબંધિત વિભાગને આ બાબતે સૂચન કરવામા આવ્યું છે. આરોગ્ય પેટા કેન્દ્રમાં રોજ ૨૫થી ૩૦ જેટલી મહિલાઓ અને અન્ય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને મકાનની કથળેલી સ્થિતમાં સારવાર લેતા હોય છે. આવાસની સ્થિતિ અત્યંત કથળેલી છે જેમાં ખાડા પડી ગયા છે જે રહેવા યોગ્ય પણ નથી અને આમાં અત્યંત ખરાબ હાલતમાં પેટા કેન્દ્રનો સામાન અને દવાઓ મુકવામાં આવે છે કારણ કે મકાનની હાલત જ ગંભીર છે. આ કેન્દ્રમાં સારવાર લેવા આવતા દર્દીઓનીને કંઇ થાય તો એની જવાબદારી કોની એવો પ્રશ્ન આરોગ્યકર્મીઓએ કર્યો હતો.

ગામમાં ત્રણ સ્કૂલ આવેલી છે જેમાં ગામની કુમાર પ્રાથમિક શાળામાં મકાનના ઓરડા  પણ કાટમાળ જેવા થઇ ગયા છે. શાળાનું મકાન એટલું દયનીય સ્થિતિમાં છે કે ત્યાં ભણતા બાળકો દરરોજ ભયના નેજા હેઠળ ભણી રહ્યા છે. આ બાબતે શાળાના શિક્ષકે જણાવ્યું કે આ મકાન તોડવાની અરજી અને મંજુરી બંને પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ સરકાર દ્વારા ગ્રાન્ટ જ ફાળવવામાં આવતી નથી એ સ્થિતિમાં મકાન કઇ રીતે તોડવું અને એક વાર મકાન તોડી નાખીએ તો શાળાનું નવું મકાન કોણ બનાવે?

મેરાન્યુઝ દ્વારા જ્યારે ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે એક રૂમ ખોલવામાં આવ્યો જ્યાં શાળાના ફર્નીચર, પુસ્તકો, બ્લેક બોર્ડ સાથે પડેલો કાટમાળ પણ જોવા મળ્યો જે ઉપરથી તૂટીને નીચે પડ્યો હતો. આ તુટ્યો ત્યારે કોઈ બાળક રૂમમાં હાજર ન હતું નહીતર કોઈ બાળક આનુ ભોગ બન્યું હોત.

ગ્રામ પંચાયતના સદસ્ય આત્મારામભાઈ સોલંકીએ જણાવ્યું કે અમારા ગામમાં પીવાનું પાણી ડહોળું આવે છે જે પીવા લાયક નથી અને અમે જ્યારે નર્મદાના પાણી માટે માંગણી કરી તો અમને તે પણ નથી આપતા. અમદાવાદને પાણી આપવા માટે પમ્પીંગ સ્ટેશન અમારે ત્યાં બનાવ્યું છે પણ અમને પાણી નથી આપતા. અમારા ગામનો વિસ્તાર ઔડા (Auda)માં મુકવામાં આવ્યો છે. પરંતુ અમારું ગામ તો ગાંધીનગર જીલ્લામાં છે. આવી વહીવટી વિસંગતતાને કારણે અમારે પાણી, શિક્ષણ અને આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.