મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગરના વાવોલ ખાતે ડેરી પાર્લર ચલાવતા વેપારીએ અમુલ ગોલ્ડ દૂધના પાઉચમાં દૂધ ઓછું આવ્યોનો આક્ષેપ કર્યા બાદ મધુર ડેરીએ પ્રેસનોટ જારી કરીને વેપારીના આક્ષેપ ખોટા ગણાવી આ થેલી પર મધુર ડેરીનો કોડ જ પ્રિંટ થયેલ નથી અને બ્રાંડને નુકશાન પહોંચાડવા માટેનું આ કાવતરુ હોવાનું જણાવ્યું છે.

ગાંધીનગર નજીક આવેલ વાવોલમાં હરિ પાર્લર ચલાવતા શૈલેષભાઇએ આક્ષેપ કર્યો હતો તેમને અમુલ ગોલ્ડની 500 ગ્રામની એક થેલીમાં 152 મિલિગ્રામ દૂધ ઓછું આવ્યું હતું. આ દૂધ મધુર ડેરી દ્વારા પેકેજીંગ કરવામાં આવે છે. સમગ્ર મામલે આજે મધુર ડેરી, ગાંધીનગર મેનેજીંગ ડિરેક્ટર મનોહરસીંગ ચૌહાણે પ્રેસનોટ જારી કરી કહ્યું હતું કે મધુર ડેરી, ગાંધીનગર દ્વારા દૈનિક આશરે 6 લાખ પાઉચ પેકિંગ કરવામાં આવે છે. આ અંગે ફક્ત એક પાર્ટીને વારંવાર દૂધના પાઉચમાં ફરિયાદ આવે છે? પેકિંગથી માંડી વિતરણ સુધી સતત ચેકિંગ થતું રહે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે સદર દૂધના પાઉચની ચકાસણી કરતા માલૂમ પડ્યું છે કે સદર દૂધનું પાઉચ લીકેજ હતું અને મધુર ડેરીનો કોડ સદર દૂધના પાઉચ પર પ્રિંટ કરેલ ન હતો. મધુર ડેરીના દરેક પાઉચ પર મધુર ડેરીનો કોડ પ્રિંટ કરેલ હોય જ છે.  જેથી બ્રાંડને નુકશાન પહોંચાડવા માટેનું આ ઇરાદાપૂર્વકનું કાવતરુ હોય તેમ જણાય છે.