મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યના જોવાલાયક પાટનગર ગાંધીનગરનો દીપડો પણ દીવાનો થઇ ગયો હોય તેમ ફરી એકવાર દીપડાના પગલાં જોવા મળ્યા છે. ગાંધીનગર નજીક મહુડી માર્ગ પર આવેલા પીંડારડા ગામની સીમમાં અલુવા હિલ્સ પાસે દીપડો જોવામાં આવ્યો હોવાનું કહેવા સાથે સાબરમતી નદીના પટમાં દીપડાના પગલાંને વન વિભાગ દ્ધારા સમર્થન આપવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે ૫૬ની છાતી સાથે નવા સચિવાલયમાં ધનતેરસે પ્રવેશનાર પ્રવેશનાર દીપડો માંડ માંડ બે દિવસે પકડાયો હતો. તેને માઈક્રો ચિપ્સ લગાવી છોડી દીધા બાદ તે વખતે બીજો દીપડો પણ ગાંધીનગરમાં હોવાની અફવાએ ભારે જોર પકડ્યું હતું. આથી વન વિભાગે એક અઠવાડિયા સુધી જહેમત ઉઠાવી તપાસ કરતા ગાંધીનગર જીઇબી નજીક જંગલી બિલાડી મળી હતી. ત્યારબાદ છેલ્લા એક અઠવાડિયાથી ગાંધીનગરમાં ફરી દીપડો આવ્યો હોવાની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. આ ચર્ચા અને અફવા વચ્ચે વન વિભાગે ગાંધીનગર નજીકના વિસ્તારમાં દીપડો હોવાની વાતને સમર્થન આપ્યું છે.

ગાંધીનગરથી મહુડી જતા માર્ગ પર આવેલા પીંડારડા ગામ પાસે અલુવા હિલ્સ આવેલું છે. ત્યાંથી રાત્રીના સમયે અવરજવર કરતા લોકોએ દીપડા જેવું પ્રાણી જોવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જયારે પીંડારડાની સીમને અડીને પસાર થતી સાબરમતી નદીના પટમાં દીપડાના પગલા જોવા મળ્યા છે. વન વિભાગની ટીમને સતત બે દિવસની જહેમત બાદ દીપડાના પગલા જોવા મળતા આ ટીમે હવે દીપડાની ભાળ મેળવવા સઘન તપાસ હાથ ધરી છે. જેમાં સાબરકાંઠા સુધીના નદી કિનારેથી દીપડાની અવરજવર થતી હોવાની સંભાવના છે.