મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં જ એક મહિલા કોર્પોરેટરના પતિએ શૌચાલય જેવા મિશનમાં ભ્રષ્ટાચાર કરી કાદવમાં કમળ ખીલવતા ભાજપમાં ઓડિયોને કારણે હડકંપ મચી ગયો છે. ઓડિયો મુજબ ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ-૩નાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ કે જે એક સાપ્તાહિતમાં પત્રકાર પણ છે તે કનુ દરજી દ્વારા શૌચાલયના સંચાલન માટે એક કોન્ટ્રકટર પાસેથી દર મહીને રૂપિયા ૧૦ હજાર લેવામાં આવતા હોવાના વાયરલ થયેલા ઓડિયોના કારણે ભાજપ સરકાર સુધી પડઘા પડ્યા છે. જેમાં આગામી બે મહિનામાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર અને ડેપ્યૂટી મેયરની બીજી ટર્મ માટે ચૂંટણી થવાની છે ત્યારે આ શૌચાલયના ભ્રષ્ટાચારની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુભાઈ પટેલને પણ ખબર હોવાની વાતચીતથી ભાજપની જૂથબંધી ફરી સક્રિય થવા સાથે ભારે રાજકીય હલચલ મચી જવા પામી છે. કોન્ટ્રાક્ટર અને કનુ દરજી વચ્ચેનો ઓડિયો અહીં નીચે દર્શાવેલો છે.

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા જાહેર શૌચાલયના સફાઈ અને સંચાલન માટે ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. જેમાં થોડા સમય પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીની મળેલી મીટીંગમાં વોર્ડ-૩માં આવતા સેકટર-૨૪ ખાતે કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના બારોબાર શૌચાલય ફાળવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ તે વખતે આ ફાળવણીમાં સેકટર-૨૪ના ભાજપના મહિલા કોર્પોરેટર પ્રવિણાબેન દરજીના પતિ અને એક સાપ્તાહિકના પત્રકાર કનુ દરજીની મિલીભગત હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસ સહીત ભાજપના જ કેટલાક નગરસેવકોએ ટેન્ડર વિના આ ફાળવણીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આથી કમિશ્નર દ્વારા આ ટેન્ડર વિનાની ફાળવણી જ રદ કરવામાં આવી હતી.

આમ છતાં પાટનગરમાં જ ભ્રષ્ટાચારના કાદવમાં કમળ ખીલવતા રહેલા બે ટર્મથી ચૂંટાતા ભાજપના આ મહિલા કોર્પોરેટરના પતિના કોન્ટ્રાક્ટર સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થતા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. જેમાં કનુ દરજીની શૌચાલયની જાળવણી કરતા આ કોન્ટ્રાક્ટર સાથેની વાતચીતમાં દર મહીને લેવામાં આવતા રૂપિયા ૧૦૦૦૦ની માંગણીએ ભાજપની પોલ ખોલી નાખી છે. જેમાં અગાઉના બાકી રહેલા રૂપિયા ૩૦૦૦ની માંગણી સાથે આ વહીવટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુભાઈ પટેલને પણ ખબર હોવાની કનુ દરજીની વાતથી ભાજપમાં હડકંપ મચી જવા સાથે છેક સરકાર સુધી તેના પડઘા પડ્યા છે.

જ્યારે આ બાબતે આરોપીના પિંજરામાં આવેલા કનુ દરજીએ કહ્યું કે, આ એકાદ મહિના જુનો ઓડિયો છે. તે કોઈ હિતશત્રુએ વાયરલ કર્યો છે. જેમાં આ શૌચાલયની ફાળવણી બાદ પોતે તેની જાળવણી અને સંચાલનમાં કોન્ટ્રાક્ટર સાથે રહી મદદ કરી રહ્યા હોવાથી આ વહીવટ કરે છે.

જ્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યું છે કે, આ વહીવટમાં મારે કોઈ લેવાદેવા નથી. જ્યારે મેયર-ડેપ્યૂટી મેયરની ચૂંટણીના કારણે ભાજપને બદનામ કરવા આ ખોટી રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે આ ઓડિયોમાં મહિલા કોર્પોરેટરના પતિએ શૌચાલયના કોન્ટ્રાક્ટર સાથે શું માંગણી કરી તે સાંભળો....